નવસારી: દક્ષિણ ગુજરાતની ઉકાઈ કાકરાપાર સિંચાઇ યોજના હેઠળ આવતી નહેરનું સમારકામને લઈ 45 દિવસ માટે પાણીનું રોટેશન બંધ રાખવામાં આવ્યું છે. આ રોટેશન 5 ડિસેમ્બરથી લઈને આગામી 16 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે જેના કારણે નવસારી વિજલપોર પાલિકા વિસ્તારમાં આજથી પીવાના શુદ્ધ પાણીનો કાપ મુકવાની શરૂઆત થઈ છે જેથી નવસારીના શહેરીજનો ને પીવાનું શુદ્ધ પાણી માત્ર એક સમયે જ મળશે.
સિંચાઇ માટેનો પાણી કાપ 45 દિવસ: નવસારી વિજલપોર પાલિકા વિસ્તારમાં આજથી એટલે કે ગુરૂવારથી પીવાના શુદ્ધ પાણીને લઈને પાણી કાપ મુકાયો છે. જે 16 જાન્યુઆરી સુધી રહેશે. દક્ષિણ ગુજરાતની ઉકાઇ - કાંકરાપાર સિંચાઇ યોજના હેઠળ આવતી નહેરનું સમારકામને લઈને 45 દિવસ માટે પાણી બંધ રહેશે જેની સીધી અસર શહેરીજનોને પડશે. આ ઉપરાંત ગણદેવી અને સુપા વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઇ માટેનો પાણી કાપ 45 દિવસ સુધી રહેશે. તેમજ ચીખલી અને વલસાડ વિસ્તારની ઉકાઇ - કાંકરાપાર સિંચાઇ યોજના હેઠળ આવતી નહેર માં 11 ડિસેમ્બરથી લઈ 3 ફેબ્રુઆરી સુધી પણ પાણી કાપ રહેશે.
ફરી એકવાર શહેરીજનો એક પાણી કાપનો સામનો કરવાનો વારો: નવસારીમાં 5 વર્ષે પણ તળાવ જોડાણ પ્રોજેક્ટ કાર્યરત નહીં થતાં શહેરીજનોએ પુનઃ 1 મહિનો પાણીકાપ સહન કરવો પડી રહ્યો છે. જૂના નવસારી પાલિકા હદ વિસ્તારમાં નહેર આધારિત પાણી યોજના છે, જેમાં નહેરનું પાણી શહેરના દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં ઠાલવી પાલિકા શુદ્ધ કરી શહેરીજનોને આપતી રહી છે. આમ તો 15 થી 20 દિવસ જ નહેરનું પાણી મળતું નથી પણ શિયાળામાં નહેર મરામત કરાતા 1 મહિનો જેટલો સમય નહેરનું પાણીનું રોટેશન બંધ કરવું પડે છે, જેને લઇને પાલિકાને છેલ્લા અનેક વર્ષોથી પાણીકાપ મૂકવો પડી રહ્યો છે. આ સ્થિતિ નિવારવા શહેરના 2 તળાવ સરબતિયા અને ટાટા તળાવને દુધિયા તળાવ અને જલાલપોરના થાણા તળાવને દેસાઈ તળાવ સાથે જોડવાની યોજના 5 વર્ષ અગાઉ બનાવી હતી,જેથી નહેરના પાણીનો સંગ્રહ વધુ કરી શકાય અને પાણીકાપ મૂકવો પડે નહીં. પરંતુ આ યોજનાને અધુરી રહેતા ફરી એકવાર શહેરીજનો એક પાણી કાપનો સામનો કરવો પડી રહ્યો છે
ઇન્ટરલિંકિંગ તળાવ યોજના હોવા છતાં પણ શહેરીજનો ના પાણી માટેના વલખા
ઇન્ટર લિંકિંગ તળાવ યોજના બનાવાઈને 5 વર્ષ થવા છતાં અમલી નહીં થતાં હાલ પુનઃ નહેર મરામતને લઇ 1 મહિનો નહેરનું પાણી નહીં મળતા પાલિકાને પાણીકાપ મૂકવાની ફરજ પડી છે. પાણીકાપ અંતર્ગત જૂના નવસારી પાલિકા હદ વિસ્તારમાં 2 ટાઇમની જગ્યાએ 1 ટાઇમ પાણી આપવાની શરૂઆત કરી દેવાઈ છે. તો બીજી તરફ કરોડો ખર્ચ્યા બાદ તળાવો બંજર બન્યા તળાવ જોડાણ યોજનામાં જલાલપોરના દેસાઇ તળાવ સાથે થાણા તળાવ જોડવામાં આવ્યું છે. થાણા તળાવમાં અધુરી કામગીરી કરાઇ. હાલ તળાવ બંજર બનતા ઉપયોગી બન્યું નથી. બીજી તરફ દુધિયા તળાવ સાથે જોડાયેલ સરબતીયા અને ટાટા તળાવમાં તો યોજનાની મહત્તમ કામગીરી પૂરી થઇ છે પણ યોજના અંતર્ગત નહેરનું પાણી ઠલવાતું નથી. બીજી તરફ ટાટા તળાવ પણ હાલ બંજર નજરે પડે છે. કોંગ્રેસના રાજમાં શરૂ થયેલી આ યોજના પાંચ કરોડ રૂપિયાની હતી જેની હાલ ₹95 કરોડ રૂપિયા જેટલી લાગત આવી છે ત્યારે વિપક્ષી સભ્યો પણ ભાજપ શાસિત પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ પાણી નગરજનોને મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવાની વાતો કરી રહ્યા છે.
આ અંગે કોંગ્રેસ અગ્રણી પિયુષ ઢીમર જણાવ્યું હતું કે, નવસારી વીજલપુર નગરપાલિકા દ્વારા જે પાણી કાપ મુકવામાં આવ્યો છે તે વર્ષો જૂની સમસ્યા છે, જેને માટે પાલિકા કોઈ કાયમી ઉકેલ લાવી શકી નથી જેના કારણે શહેરીજનો દર વર્ષે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરી શહેરના તળાવોનું જોડાણ કરવામાં આવ્યું છે. જેના કારણે પાણીની સમસ્યાને પહોંચી વળાય છે, પરંતુ કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ શહેરીજનોને એનો લાભ મળ્યો નથી અને હાલાકીનો સામનો વેચવાનો વારો આવ્યો છે તેનાથી ફલિત થાય છે કે પાલિકાની અણઆવડત ના કારણે કરોડો રૂપિયા પાણીમાં ગયા છે.