નવસારી: સુરતમાં શાકભાજી અને ફળનો વેપાર કરતા રમેશ પોપટ સરધારા છ મહિના અગાઉ નવસારીના વાંસદાના શાકભાજીના વેપારીઓ અરવિંદ પટેલ અને સંજય શર્મા સાથે ઓળખાણ થતા તેમની પાસેથી શાકભાજી લેવાનું શરૂ કર્યું હતુ. જેમાં પાંચ મહિનાથી વાંસદાના વેપારીઓ દ્વારા ખરાબ અને હલકી કક્ષાનું શાકભાજી આપતા હોવાના આક્ષેપો સાથે રમેશ સરધારાએ અરવિંદના 1.40 લાખ અને સંજયના 2.20 લાખ રૂપિયા આપવામાં આનાકાની શરૂ કરી હતી. ઉપરાંત રમેેશ જ્યારે વ્યવસ્થા થશે ત્યારે રુપિયા આપવાની વાત કરવા માંડ્યો હતો. તે દરમિયાન સતત ઉઘરાણી થતી હોવાથી ત્રણ મહિનાથી રમેશે પોતાનો મોબાઈલ નંબર પણ બંધ કરી દીધો હતો. લાંબો સમય થવા છતાં રમેશ રૂપિયા આપવા બાબતે હાથતાળી આપતો હોવાથી વાંસદાના વેપારીઓમાં રોષ ભરાયો હતો.
રમેશનું થયું અપહરણ: તે દરમિયાન ગત 23 મે, ગુરૂવારના રોજ રમેશ સરધારા ચીખલીના પીપલગભાણ ગામે પોતાના મિત્રો સાથે કેરી ખરીદી કરવા માટે આવ્યો હતો. જેની જાણ વાંસદાના શાકભાજી વેપારીઓ અરવિંદ પટેલ, અશ્વિન પટેલ અને સંજય શર્માને થતાં તેઓ પણ પીપલગભાણ ગામે પહોંચ્યા હતા. અને ત્યાં રમેશ તેમજ તેના મિત્રો સાથે રૂપિયા બાબતે ઝઘડો કરી, ઝપાઝપી કરી હતી. જોકે સ્થાનિક લોકોએ તેમને છોડાવતા રમેશ તેની કાર લઇ સુરત તરફ ભાગી નીકળ્યો હતો. જેથી સંજય શર્માએ તેના માણસો સાથે પીછો કર્યો હતો. ગભરાટમાં રમેશે નેશનલ હાઇવે નંબર 48 ઉપર ધોળાપીપળા નજીક તેની કાર ટેમ્પો સાથે ઠોકી હતી, જેથી સંજય અને તેના સાથી મિત્રોએ કારને આંતરી રમેશનું અપહરણ કરી લીધું હતુ.
મારી નાખવાની આપી ધમકી: સંજય અને તેના સાથી મિત્રોએ રમેશને વાંસદા સંજયના ઘરે લઈ જઈ હાથ પગ બાંધી બંધક બનાવ્યો હતો. અને માર મારી જ્યાં સુધી રૂપિયા ન આપે ત્યાં સુધી ન છોડવા અને પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી રમેશ સરધારાએ તેના પુત્રને મોબાઇલ ફોન કરી ઘટનાની જાણ કરી હતી. પુત્રએ રમેશને ચિંતા ન કરવા અને પોતે વાંસદા આવી રહ્યો હોવાનું જણાવી હિંમત આપી હતી.
ચીખલી પોલીસે અપહરણકર્તાઓની કરી ધરપકડ: રમેશના પુત્રએ નવસારી પોલીસનો સંપર્ક કરી પોતાના પિતાને છોડાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે જાણ થતા જ હરકતમાં આવેલી ચીખલી પોલીસે અપહરણ કરતા વેપારીઓની ચુંગાલમાંથી શાકભાજીના વેપારી રમેશ સરધારાને છોડાવ્યો હતો. સાથે જ ઘટના સ્થળેથી છ અપહરણકર્તાઓ સંજય શર્મા, અરવિંદ પટેલ, સચિન રાજપૂત, ભરત ડાંગર, મયંક ભોયા અને દિવ્યેશ ચવધરીને પકડી તેમની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ચાર અશ્વિન, જયેશ, જીજ્ઞેશ અને અજાણ્યાને વોન્ટેડ જાહેર કરી ચીખલી પોલીસ મથકમાં મારામારી, અપહરણ, ધમકી, મદદગારી હેઠળ ગુનો નોંધી, પોલીસે તપાસને વેગ આપ્યો છે.
પોલીસ અધિક્ષક એસ. કે. રાયનું આવેદન: નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાયે જણાવ્યું હતું કે તારીખ 23-5-2024ના રોજ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ સરધારા એ તેમના પિતાનું અપહરણ થયાની ફરિયાદ આપી હતી. જેથી હરકતમાં આવેલી ચીખલી પોલીસે અપહરણ કરતા વેપારીઓના ચુંગાલમાંથી શાકભાજીના વેપારી રમેશ સરધારાને છોડાવ્યો હતો. સાથે જ ઘટના સ્થળેથી છ અપહરણકર્તાઓ સંજય શર્મા, અરવિંદ પટેલ, સચિન રાજપૂત, ભરત ડાંગર, મયંક ભોયા અને દિવ્યેશ ચવધરીને પકડી તેમની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ચાર અશ્વિન, જયેશ, જીજ્ઞેશ અને અજાણ્યાને વોન્ટેડ જાહેર કરી ચીખલી પોલીસ મથકમાં મારામારી, અપહરણ, ધમકી, મદદગારી હેઠળ ગુનો નોંધી, પોલીસે તપાસને વેગ આપ્યો છે.