નવસારી : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગુજરાતના પારસીઓના ઇતિહાસમાં પણ એક નવું પ્રકરણ આલેખ્યું છે. નવસારીમાં આતશ બેહરામના તેમના ખૂબ જ પવિત્ર ધર્મસ્થળમાં રામલલ્લાને માટે માચી વિધિ સાથે જશ્ન કરવામાં આવ્યો હતો.
આતશ બેહરામમાં માચી વિધિ કરી : પોતાના જન્મ સ્થાનમાં જ સેંકડો વર્ષો સુધી વનવાસ જેવી સ્થિતિમાં રહ્યા બાદ આજે ભગવાન શ્રી રામલલ્લાની ભવ્યતિભવ્ય મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય યજમાનપદે પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે. ત્યારે ઇરાનથી ભારત આવીને દૂધમાં સાકરની જેમ ભળીને રહેતાં પારસીઓએ પણ ઇતિહાસમાં પ્રથમવાર તેમના ધર્મસ્થળ આતશ બેહરામમાં આજે ભવ્ય જશ્ન (યજ્ઞ) કરી, પવિત્ર અગ્નિને માચી (સુખડના લાકડા) ચઢાવવાની વિધિ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
સનાતન ધર્મ પ્રત્યે ઋણ અદા કર્યુ રઘુકુલ નંદન ભગવાન શ્રી રામચંદ્રજીના બાળ સ્વરૂપની આજે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઇ છે. ત્યારે ભગવાનના નિજ મંદિરમાં આવવાની ખુશીમાં સમગ્ર દેશ રામમય બન્યો છે. જેમાં ભારતમાં દૂધમાં સાકરની જેમ વસેલા પારસીઓએ પણ ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠાએ વિશ્વભરના પારસીઓ માટે બીજા મહત્વના તીર્થ સમાન આતશ બહેરામમાં પવિત્ર આતશ પાદશાહ સમક્ષ પ્રાર્થના કરી, જશ્ન એટલે કે યજ્ઞ કર્યો હતો. સાથે જ પારસીઓએ પવિત્ર અગ્નિમાં માચી (સુખડના લાકડા) ચઢાવી આહૂતિ આપી હતી. સાથે જ તેમણે સનાતન ધર્મ પ્રત્યે પોતાનું ઋણ પણ અદા કર્યુ હતું.
કૃતજ્ઞતા વ્યક્ત કરી : ઈરાનથી પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા હતાં, ત્યારે જાદે રાણાએ તેમને 5 શરતોએ રાજ્યાશ્રય આપ્યો હતો. જેમાં એક તેઓ ધર્માંતરણ નહી કરે કે કરાવે, રાજ્યને સમર્પિત અને વફાદાર રહેશે અને ગુજરાતીને પોતાની માતૃભાષા તરીકે અપનાવશે... ની શરત મુખ્ય હતી. ત્યારથી પારસીઓ આ મુખ્ય શરતોનું આજે પણ પાલન કરતા આવ્યા છે. ત્યારે આજે પણ પારસીઓની ઘણી ધાર્મિક વિધિ અને રીવાજો સનાતન ધર્મ જેવા જ રહ્યા છે. જેથી પારસીઓએ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જશ્ન અને માચી અર્પણની વિધિ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
શ્રી રામલલ્લા માટે જશ્ન કર્યો : ધર્મચુસ્ત રહેલા પારસીઓ અન્ય ધર્મના લોકોને પોતાના ધાર્મિક સ્થળોએ પ્રવેશ પણ આપતાં નથી. પરંતુ સેંકડો વર્ષો બાદ જ્યારે સનાતનીઓના આરાધ્ય ભગવાન શ્રી રામજી પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા છે, ત્યારે પરંપરાને તોડીને પારસીઓએ આજે શ્રી રામલલ્લા માટે જશ્ન કર્યો હતો.