નવસારી : હાલ રાજ્યમાં સગીર વયની બાળકી અને કિશોરીઓ સાથે માણસરૂપી નરાધમો દુષ્કર્મ આચરતા હોવાના બનાવનો ગ્રાફ ખૂબ ઊંચો નોંધાયો છે. જે સમાજ માટે ખૂબ ચિંતાજનક વિષય બન્યો છે. ત્યારે નવસારી જિલ્લાના વિજલપુર શહેરમાં પણ 14 વર્ષીય કિશોરી સાથે સ્થાનિક યુવકે દુષ્કર્મ આચરતા પીડિતાની માતાની ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ : આ અંગે મળતી માહિતી અનુસાર 22 વર્ષીય રત્નકલાકાર યુવાન રોહિત દિનેશભાઈ પેંડાકર, ભોગ બનનાર કિશોરીના ઘર પાસે રહે છે. તેણે કિશોરીને વાતોમાં ભોળવી 10 ઓક્ટોબરની રાત્રે 12:30 થી 1:30 ની વચ્ચે છાપરા રોડ ખાતે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બે થી ત્રણ બાદ કિશોરીને પેટમાં દુખાવો થતા માતાએ પૂછપરછ કરતા કિશોરીએ સમગ્ર હકીકત જણાવી હતી. જેથી માતાએ વિજલપોર પોલીસ મથકે યુવાન વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
"સમગ્ર ઘટના સંદર્ભે કિશોરીની માતાની ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનાર 22 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેની મેડિકલ તપાસ કરવામાં આવી અને આ કેસમાં FSL ટીમની પણ મદદ લેવામાં આવી છે." -- એસ. કે. રાય (DySP, નવસારી)
22 વર્ષીય આરોપીની ધરપકડ : ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે તાત્કાલિક આરોપી રોહિતની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. વિજલપોર પોલીસે આ કેસમાં FSL ટીમની પણ મદદ લીધી છે. આરોપીની મેડિકલ અર્થે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરી છે. યુવાનો મોબાઇલ અને મોપેડ પણ કબજે કરવામાં આવી છે, મોબાઇલમાં કિશોરીના વિડીયો લીધા છે કે કેમ તે અંગે પણ વિજલપોર પોલીસ તપાસ હાથ ધરશે.