જામનગર: આઈ શ્રી સોનલ ધામ મંદિર ખાતે છેલ્લા 35 વર્ષથી ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રિમાં પ્રાચીન ગરબાઓ રજૂ કરવામાં આવે છે તેમજ પરંપરાગત વેશભૂષામાં રાસ રજૂ કરવામાં આવે છે. જેમાં મણીયારો રાસ સૌનું મન મોહી લે છે.
અહીં ચારણ બાળાનો, ત્રિશુલ રાસ તેમજ ચારણ યુવાનો દ્વારા મણીયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ચારણ સમાજના પ્રખ્યાત કલાકારો દ્વારા માતાજીના પ્રાચીન ગરબા રજુ કરવામાં આવ્યા હતા.
જામનગરમાં સોનલ ધામ ખાતે ઉજવાતા નવલા નોરતામાં મણીયારા રાસની અનેરી જમાવટ જોવા મળી હતી. ચારણ યુવાનો દ્વારા રમાતો મણીયારો રાસ પંથક સહિત દૂર દૂર સુધી પ્રચલિત છે. આ નવરાત્રિ દરમિયાન સમસ્ત ચારણ સમાજ તેમજ જામનગર શહેરના લોકો સોનલ મંદિર ખાતે પહોંચી પ્રાચીન નવરાત્રિનો આનંદ મેળવે છે.
અહીં ચારણ સમાજની યુવતીઓ પણ ત્રિશુલ રાસ રમી નવલા નોરતાની ઉજવણી કરે છે. ખાસ કરીને પારંપરિક પહેરવેશમાં ચારણ સમાજના યુવક અને યુવતીઓ સોનલ ધામ ખાતે નવ દિવસ સુધી નવલા નોરતાની ઉજવણી અને માતાજીની આરાધના કરે છે. આ ગોઠવણી કરવામાં દેવદાન ગઢવી, રાણાભાઈ ગઢવી તેમજ ચારણ સમાજ આગેવાનોએ ભારે મહેનત કરી હતી.
આ પણ વાંચો: