જામનગર: શહેરમાં મા આધ્યાશક્તિના આરાધનાના પર્વની ઉજવણી દરમિયાન અનેક ગરબી મંડળમાં નિતનવા રાસ રજૂ કરાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી રાંદલ અંબિકા ગરબી મંડળ વિવિધ રાસ માટે શહેરમાં આકર્ષણનો કેન્દ્ર બની રહ્યું છે. અંબિકા ગરબી મંડળના 17 યુવકો 45 મિનિટ સુધી આગની વચ્ચે ગરબાની રમઝટ બોલાવે છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં પધાર્યા છે.
કડિયાવાડ વિસ્તારમાં ચાલી રહેલી રાંદલ અંબિકા ગરબી મંડળમાં ગઈકાલે ચોથા નોરતે સળગતા સાથિયાનો રાસ રજૂ કરાયો હતો. જેમાં ખેલૈયાઓ દ્વારા સૌ પ્રથમ ગરબી મંડળના પટાંગણમાં સળગતો સાથીઓ તૈયાર કરાયો હતો. સાથીયાના આકારમાં અંગારાઓ મૂકીને જેની વચ્ચે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. જે દ્રશ્ય નિહાળીને અનેક શ્રોતાગણ મંત્ર મુગ્ધ બન્યા હતા.
આ સાથિયા રાસ સમયે ગરબી મંડળના પંડાલ વિસ્તારની તમામ લાઈટો બંધ કરવામાં આવી હતી. જેથી સળગતો સાથીઓ ખૂબ જ દીપી ઉઠ્યો હતો અને તેની વચ્ચે ખેલૈયાઓ દ્વારા રજૂ કરાયેલા હેરત ભર્યા પ્રયોગો નિહાળીને સૌ નગરવાસીઓ હર્ષોલ્લાસથી ઝૂમી ઉઠયા હતા.
આ પણ વાંચો: