સુરત : આજના ઝડપી, ડિજિટલ ટેકનો યુગમાં શિક્ષણનું મહત્વ દિનપ્રતિદિન ખૂબ વધી રહ્યું છે. પુસ્તકીયુ જ્ઞાન સાથે વ્યવહારુ જ્ઞાન ધરાવતા બાળકનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે છે. ત્યારે ગમ્મત સાથે જ્ઞાન આપી ભણતર અને ગણતરનો અદભૂત સુમેળ સાધતી સુરતના કામરેજ તાલુકાની ‘નવી પારડી પ્રાથમિક શાળા’ અનેક શાળાઓ માટે આદર્શ ઉદાહરણ છે.
નવી પારડી ‘સ્માર્ટ’ શાળા : કામરેજ તાલુકાની ‘નવી પારડી પ્રાથમિક શાળા’ અદ્યતન બાંધકામ, કમ્પ્યુટર લેબ, ડિજિટલ ક્લાસરૂમ અને સમગ્ર શાળામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવે છે, જેણે આ શાળાને ‘સ્માર્ટ શાળા’માં ફેરવી નાંખી છે. મહાન ઋષિમુનિઓ અને વૈજ્ઞાનિકોના નામ ધરાવતા વિષયવાર વર્ગખંડો સ્માર્ટ બોર્ડ ધરાવે છે. શાળાનું હરિયાળું કેમ્પસ, સ્વચ્છતા, ફાયર સેફટી, પુસ્તકાલય, RO વોટર ટેન્ક, 32 CCTV કેમેરા અને લાઉડ સ્પીકર પણ શાળાની વિશેષતાઓમાં ઉમેરો કરે છે.
જિલ્લા અને રાજ્ય કક્ષાની સિદ્ધિ : 1973 થી કાર્યરત નવી પારડી પ્રાથમિક શાળામાં હાલ 243 છોકરાઓની સામે 249 છોકરીઓ મળી કુલ 492 બાળકો બાળવાટિકાથી ધોરણ 8 સુધી અભ્યાસ કરે છે. જેમાં આજુબાજુના 7 ગામોના બાળકોનો પણ સમાવેશ થાય છે. નવી પારડી પ્રાથમિક શાળાએ અત્યાર સુધીમાં 2 જિલ્લા કક્ષા અને 1 રાજ્ય કક્ષા એમ કુલ 3 વખત સ્વચ્છતા એવોર્ડ જીત્યો છે. સાથે જ ગત વર્ષે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતીય ક્રમાંકનો એવોર્ડ પણ મેળવ્યો છે.
થિયરી સાથે પ્રેક્ટીકલ જ્ઞાન : શાળાની આગવી શિક્ષણ પદ્ધતિ અંગે આચાર્ય ચૈતાલીબેન ભાવસાર જણાવે છે કે, અહીં બાળકોને અધ્યયન નિષ્પત્તિ આધારિત ટીચિંગ લર્નિંગ મેથડ(TLM) દ્વારા વિવિધ વિષયોની સમજ અપાય છે. થિયરી સહિત પ્રેક્ટિકલ જ્ઞાન આપવાથી બાળકની સમજ શક્તિ મજબૂત બને છે. વધુમાં ભણતરની સાથે તેમના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતા અમે વિવિધ કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ અવારનવાર યોજીએ છીએ. દર મહિને વિશેષ દિવસોની ઉજવણી, તાલુકા-જિલ્લા કે રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ, પ્રદર્શન વગેરેમાં ભાગ લેવા પણ વિદ્યાર્થીઓને તક અને પ્રોત્સાહન આપીએ છે.
શાળા પરિસરમાં જ કિચન અને ઔષધ ગાર્ડન : ચૈતાલીબેન ભાવસારે ઉમેર્યું કે, શાળાના પ્રાંગણમાં કિચન ગાર્ડન અને ઔષધ ગાર્ડનના નિર્માણ અને તેની દેખરેખની પ્રવૃત્તિઓમાં પણ બાળકો સક્રિય ભાગીદારી નોંધાવે છે. જે તેમને પર્યાવરણનું બાહ્ય જ્ઞાન અને જવાબદારીની સમજ પૂરી પાડે છે. સાથે જ શાળાના બગીચામાં થતી ઔષધિનો ઉપયોગ શાળાના શિક્ષકો સહિત દરેક વિદ્યાર્થી પણ કરે છે. અને અહીં ઉગતા શાકભાજીનો ઉપયોગ મધ્યાહન ભોજન યોજનામાં બનતા ભોજનમાં કરાય છે, જે તેમનામાં ‘સૌ સહુનું સહિયારૂ’ની ભાવના કેળવે છે.
વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો : શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વિશે વાત કરતાં આચાર્ય જણાવે છે કે, શાળામાં નવીનીકરણ બાદ લોકો ખાનગી શાળાની જગ્યાએ અમારી સરકારી શાળા તરફ આકર્ષાયા છે, તેથી બાળકોની સંખ્યામાં પહેલા કરતાં ધરખમ વધારો થયો છે. પહેલા જ્યાં બાળકોની સંખ્યા 350 આસપાસ રહેતી, એ હવે છેલ્લા કેટલાક વર્ષોથી સરેરાશ 500 જેટલી થઈ છે. જે સરકારી શાળાઓ માટે હકારાત્મક ટર્નિંગ પોઈન્ટ છે.
દીકરીઓ માટે આદર્શ શાળા : સાથે જ રાજ્ય સરકાર દ્વારા અપાતી અદ્યતન ટેકનોલોજી યુક્ત સંસાધનો અને ભૌતિક સુવિધાઓ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. વિશેષત: આચાર્યએ ઉમેર્યું કે, ગામેગામ પહોંચેલી રાજ્ય સરકારની 'નળ સે જળ' યોજનાને કારણે સવારે ઉઠી પાણી ભરવાની નિત્ય ક્રિયામાં રોકાઈ રહેતી દીકરીઓ હવે નિશ્ચિત થઈ શિક્ષણમાં પરોવાય છે. જેના કારણે શાળામાં ઉત્તરોઉત્તર દીકરીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
આવું શિક્ષણ તો ક્યાંય નહીં જોયું હોય ! શાળાના પ્રાંગણમાં વિશેષરૂપે ટાઇલ્સ બ્લોકની ગોઠવણ, વર્ગખંડની બહાર બ્રેઈલ લિપિ લખાણ અને દિવ્યાંગ ટોઇલેટ સહિતની સુવિધા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. શાળાના દરેક માળ પર પૂર, ભૂકંપ, આગ, વાવંટોળ કે વાવાઝોડું, વીજળી સહિતની કુદરતી કે માનવસર્જિત આકસ્મિક પરિસ્થિતિ માટે આપત્તિ વ્યવસ્થાપન પ્લાન પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સાથે જ આપત્તિના સમયે પ્રાથમિક મદદ માટેના દરેક ફોન નંબર, બચાવ અને સુરક્ષાના પગલા જેવી વિગતો લાઈવ ડિસ્પ્લે થાય છે. આપત્તિના સમયનું યોગ્ય માર્ગદર્શન આપી દર મહિને બાળકોની ભાગીદારી સાથે લાઇફ સ્કીલ માટે મોકડ્રીલ યોજવામાં આવે છે.
‘જ્ઞાનના મંદિર’ની પરિભાષા : શિક્ષણ પદ્ધતિ હોય કે આધુનિક સુવિધા ‘જ્ઞાનના મંદિર’ની પરિભાષાને સર્વ સાર્થક કરતી નવી પારડી પ્રાથમિક શાળા સાચે એક આદર્શ પ્રાથમિક શાળા હોવાની સાબિતી પૂરી પાડે છે. નવી પારડી પ્રાથમિક શાળાની ધોરણ 7 ની વિદ્યાર્થિની પ્રાચી જણાવે છે કે, અમારી શાળા આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોવાથી અમને સ્માર્ટ ક્લાસ વડે શિક્ષા આપવામાં આવે છે. સાથે જ શાળામાં અમને શિક્ષણ સિવાય કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ પણ કરાવે છે. જેથી અમે કંઈક નવીન શીખવાની તક મળે છે.