ગાંધીનગર: પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત થઈ હતી. તાજેતરમાં રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે અંગે વ્યવસ્થિત અને જનતાને વાંચનમાં કાંઈક ફાયદો થાય તેને ધ્યાને રાખીને કામગીરી થાય તો ખૂબ સરાહનીય બાબત છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ વાંચનના આનંદની ઉજવણી કરવાનો છે, તેમજ વાંચનની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે.
આદિજાતિ વિસ્તારો માટે પુસ્તકાલયોને મંજૂરી
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો કાર્યરત કરવાનું સરકારનું આયોજન છે. આ અંતર્ગત, રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેના પરિણામે, ગુજરાતના પ્રત્યેક આદિજાતિ તાલુકાના તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો 100 ટકા લાભ પ્રાપ્ત થશે.
ગ્રામીણ વિસ્તારોમાં પણ સરકારી ગ્રંથાલયો શરૂ કરવાનો નિર્ણય
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પુસ્તકાલયો શરૂ કરવા અંગે પણ રાજ્ય સરકારે વિચાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સમાજના વાંચન રસિક નાગરિકોને જાહેર ગ્રંથાલયની સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થાય તે માટે ચાલુ વર્ષે રાજયમાં વધુને વધુ અનુદાનિત ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન કરાયું છે. સરકારી તાલુકા ગ્રંથાલય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની સ્થાપનાથી લઇને આજ સુધીમાં એક સાથે એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ગ્રંથાલયને મંજૂરી આપવાનો આ નિર્ણય ઐતિહાસિક છે.
જાહેર ગ્રંથાલયો માટે સહાયક ગ્રાન્ટ અંગેની નીતિ
પુસ્તકો, સામયિકો, આલેખો અને સચિત્ર શિક્ષણના સાધનો દ્વારા લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગે અને જ્ઞાનનો પ્રચાર થાય તેવા ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં જાહેર ગ્રંથાલયની સ્થાપના અને વિકાસ થાય તે માટે જાહેર ગ્રંથાલય માટેની માન્યતા તથા સહાયક ગ્રાન્ટ અંગેની નીતિ નક્કી કરવામાં આવી છે.
100 ટકા ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવાશે
રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવતી ગ્રાન્ટમાં વર્ષ 2023-24થી અનુદાનિત ગ્રંથાલયોને લોકફાળામાંથી મુક્તિ આપી 100 ટકાના ધોરણે અનુદાનમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે ગ્રંથાલયોને પહેલા જે 25% લોકફાળો ભરવો પડતો હતો, તેમાંથી મુક્તિ આપીને, રાજ્ય સરકાર દ્વારા 100 ટકા ગ્રાન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રંથાલયોના પ્રકાર, જેમકે વિશિષ્ટ ગ્રંથાલય, શહેર ગ્રંથાલય, મહિલા અને બાળ ગ્રંથાલયો, ગ્રામ ગ્રંથાલયો વગેરેના આધારે અનુદાનના દરોમાં વધારો કરવા માટે પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. રાજયમાં વધુને વધુ અનુદાનિત ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન કરાયું છે.
સ્વ. મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડના પુરસ્કારની રકમમાં પણ વધારો
રાજ્યના અનુદાનિત ગ્રંથાલયોની સેવાઓને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી ચાલતી સ્વ. મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર માટેની યોજનામાં વિજેતા ગ્રંથાલયો અને વિજેતા ગ્રંથાલયોના ગ્રંથપાલોને અપાતા પુરસ્કારની રકમમાં પણ 50%થી વધુનો વધારો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ યોજનામાં પ્રજ્ઞાચક્ષુ ગ્રંથાલયો અને વિશિષ્ટ ગ્રંથાલયોની કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી રાજ્યના અનુદાનિત ગ્રંથાલયો વચ્ચે ગ્રંથાલય સેવાઓ આપવામાં સ્પર્ધાત્મક વાતાવરણ જળવાઈ રહેશે.
વલસાડ પોલીસની ઉમદા કામગીરી : માસ્ટરમાઈન્ડ "ચેક ચોર" અને આધેડની હત્યાનો આરોપી ઝડપાયો - Valsad Crime