ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રીની શુભેચ્છા મુલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અધિકારીઓ અને 16 સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી. નેશનલ ડિફેન્સ કોલેજ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા 26 પાર્ટનર કન્ટ્રીઝના વિદેશી લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસ પર અભ્યાસક્રમ ચલાવે છે.
NDCના અધિકારીઓ ગુજરાતની સ્ટડી ટુર પર: આ અભ્યાસક્રમ અંતર્ગત હાલ 16 મેમ્બર્સની એક ટીમ તા. 17 માર્ચથી 22 માર્ચ સુધી ગુજરાતની સ્ટડી ટુર પર આવેલી છે. આ સ્ટડી ટુરમાં તેઓ ગુજરાતની કૃષિ અને સહકાર ક્ષેત્રની બહુવિધ કામગીરીની માહિતી મેળવશે.
આ ટીમમાં કયા અધિકારીઓ પણ જોડાયા: મુખ્યમંત્રીશ્રીને આ 16 મેમ્બર્સની ટીમ ભારતીય સેનાના મેજર જનરલ શ્રી એસ. નાગરના નેતૃત્વમાં મળી હતી. આ ટીમમાં જાપાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની નેવી તથા આર્મીના અધિકારીઓ પણ જોડાયા હતા.
આ બેઠકમાં વરિષ્ઠ સચિવો જોડાયા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર તથા વરિષ્ઠ સચિવો જોડાયા હતા.