સુરત: બોલિવુડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમ્યાન આરોપીઓએ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેકી હોવાનું બહાર આવ્યું હતું, જેથી મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ સુરત પહોંચી હતી અને આરોપીઓએ જે જગ્યાએ રિવોલ્વર ફેકી હતી. તે જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે.
બિશ્નોઇ ગેંગના બે આરોપીઓ ઝડપાયા: બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગત 14 એપ્રિલના રોજ વહેલી સવારે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ મુંબઈ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી હતી અને તપાસ દરમ્યાન બે આરોપીઓ બાઈક પર ભાગતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ બનાવમાં મુંબઈ પોલીસે બિશ્નોઇ ગેંગના બે આરોપીઓને કચ્છમાંથી ઝડપી પાડ્યા હતા.
એન્કાઉન્ટર સ્પેશયાલીસ્ટ તપાસમાં જોડાયા: પોલીસે આરોપીઓની પૂછપરછ અને તપાસ કરતા તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ ફાયરીંગ બાદ ભાગ્યા હતા તે દરમ્યાન તેઓએ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેકી દીધી હતી. જેથી આજે સવારે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ સુરત પહોંચી હતી. સુરતમાં આરોપીઓએ જે જગ્યાએ રિવોલ્વર ફેકી હતી તે જગ્યાએ મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ એન્કાઉન્ટર સ્પેશયાલીસ્ટ દયા નાયક પણ તપાસમાં જોડાયા છે.