જુનાગઢઃ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. રક્ષાબંધનમાં રાખડી બાંધવાના મુહૂર્તને લઈને જુનાગઢના શાસ્ત્રી ચેતનભાઇએ વિગતે Etv ભારત સાથે ચર્ચા કરી છે અને કહ્યું છે કે, 19 તારીખે રાત્રિના 11 વાગ્યા સુધી કોઈપણ બહેન પોતાના ભાઈને રક્ષા સૂત્ર બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે છે.
શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનનો તહેવાર
શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધન એટલે કે બળેવનો તહેવાર મનાવવામાં આવશે સનાતન ધર્મના વિક્રમ સંવત કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનામાં આવતી પૂનમના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને તેમનું જીવન દિર્ઘાયુષ્ય બને અને સાથે તેમની રક્ષા થાય તે માટે પણ પૂનમના દિવસે સુતરનો તાંતણો ભાઈની કલાઈ પર બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો હોય છે. ત્યારે રક્ષાબંધનમાં ભાઈની કલાઈ પર રક્ષાસુત્ર બાંધવાના મુહર્તને લઈને જૂનાગઢના પંડિત ચેતનભાઇ શાસ્ત્રીએ રક્ષાબંધનના દિવસે કયા સમયે ભાઈએ બહેનને રાખડી બાંધવી જોઈએ તેને લઈને ઈ ટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.
18 તારીખ રાત્રિથી 19 તારીખ રાત્રી દરમિયાન રક્ષાબંધન
18 મી તારીખ રાત્રે ત્રણ વાગ્યાથી પૂનમ બેસી જાય છે જે 19 મી તારીખે રાત્રિના 11 વાગ્યા સુધી પૂનમનો સંપૂર્ણ કાળ જોવા મળે છે આ સમય દરમિયાન કોઈપણ બહેને પોતાના ભાઈને સોમવાર અને રાત્રિના 11:00 વાગ્યા સુધી રાખડી બાંધી શકે છે આ વર્ષે પૂર્ણ પૂનમનો યોગ પણ સર્જાઈ રહ્યો છે. કેટલાક શાસ્ત્રો મુજબ ભદ્રા નક્ષત્રમાં રાખડી બાંધવી યોગ્ય નથી પરંતુ શાસ્ત્રો પ્રમાણે તિથિના ઉદય થી લઈને તેના અસ્ત સુધીના સમયને પૂનમનો પૂર્ણ કાળ માનવામાં આવે છે જેથી આ સમયે રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકાય છે.
રાખડી બાંધવાની વિધિ
રક્ષાબંધનના તહેવાર આ વખતે શ્રાવણી પૂનમ અને સોમવારનો વિશેષ સંયોગ થઈ રહ્યો છે. મહાદેવને પ્રિય એવા સોમવારે રક્ષાબંધન આવી રહી છે ત્યારે આ દિવસ દરમિયાન કોઈપણ ચોઘડિયા જોવાની જરૂર રહેતી નથી આજના દિવસે યમુનાજીએ તેમના ભાઈ યમરાજ ને રાખડી બાંધી હતી તે દિવસે પણ મુહૂર્તની જગ્યા પર દિવસનું મહત્વ હતું. 19 તારીખે શ્રવણ નક્ષત્ર બેસી જાય છે. તેથી મુહૂર્તની જગ્યા પર નક્ષત્રનો મહિમા છે. જેને કારણે સમગ્ર દિવસ દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકાય છે. આજના દિવસે પ્રત્યેક બહેને મહાદેવ પર જળનો અભિષેક કરીને ત્યારબાદ વિષ્ણુ ભગવાનને તુલસીપત્ર અર્પણ કર્યા બાદ પોતાના ભાઈને રાખડી બાંધવી જોઈએ આવી પરંપરા સનાતન ધર્મ સંસ્કૃતિમાં સતત ચાલતી આવે છે.