વલસાડ: હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તારીખ 16 સુધીમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. જેને પગલે જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી છે અને વ્યાપક પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.
ઓવર ટોપિંગને કારણે સાત જેટલા રસ્તા બંધ: વલસાડ જિલ્લામાં પડી રહેલા 24 કલાકથી વરસાદને કારણે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વિવિધ નદી નાળા ઉપર બનેલા લો લેવલ બ્રિજ ઉપરથી વરસાદી પાણી ફરી વળતા જિલ્લાના કુલ સાત જેટલા રસ્તાઓ બંધ થયા છે. જેમાં પારડી તાલુકાના ચાર, ઉમરગામ તાલુકાના બે અને વલસાડ તાલુકાનો એક મળી કુલ સાત જેટલા માર્ગો હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: વલસાડ તાલુકામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ શહેરમાં 6.18 ઇંચ, પારડીમાં 4.52 ઇંચ, વાપીમાં 4 ઈંચ, ધરમપુરમાં 3 ઈંચ, ઉમરગામમાં 3.98 ઇંચ અને કપરાડામાં 2.8 ઇંચ વરસાદ ખબક્યો છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધુબન ડેમ ઓવરફ્લો: વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી રહી છે. હાલ ડેમનું લેવલ 71.50 મીટર પર પહોંચ્યું છે અને પાણીની આવક દર કલાકે વધી રહી છે. જેને લઇને હાલમાં ડેમનું લેવલ જળવાઈ રહે તે માટે 10,000 કયુસેક જેટલું પાણી તબક્કાવાર છોડવામાં આવશે. તેવુંં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ખેડૂતો ફેર રોપણીમાં જોડાયા: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડી રહેલા વરસાદને કારણે ખેતરો પાણીથી ભરાઈ ચૂક્યા છે. જેના કારણે મુખ્ય પાક ડાંગર હોવાને લઈને ડાંગરની ફેર રોપણી માટે ખેડૂતો જોડાયા છે. વલસાડ જિલ્લામાં કુલ 75 હજાર હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવે છે. તેમજ 99 દિવસમાં તૈયાર થાય એવું ઉત્પાદક ધરાવતું ધરું ખેડૂતોએ ખેતરમાં વાવ્યું છે.
બે રેલવે ગરનાળાઓમાં પાણી ભરાયા: ભારે વરસાદને કારણે નીચાણવાળા ક્ષેત્રે છીપવાડમાં આવેલા રેલ્વે ગરનાળા તેમજ મોગરાવાડી ખાતે આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે અહીંથી આસપાસથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કલાકો સુધી વરસાદી પાણી રેલવે ગરનાળામાં ભરાઈ રહેતા લોકોને આવાગમન માટે મુશ્કેલી પડી હતી.
એનડીઆરએફની એક ટીમ ખડેપગે: વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે છેલ્લા કેટલાક દિવસથી એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેના દ્વારા વિવિધ તાલુકાઓમાં લો લાઈન એરિયાનો સર્વે કરવામાં આવ્યો છે. એટલે કે નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ જાય એવા અનેક સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેથી કરીને આપત્તિના સમયે આવા વિસ્તારમાં લોકોને હેમખેમ ઉગારી શકાય. શુક્રવારના રોજ એનડીઆરએફની ટીમે ધરમપુરની મુલાકાત લીધી હતી.