જૂનાગઢ: ચોમાસાના આ દિવસો દરમિયાન સામાન્ય રીતે જાહેર માર્ગો, બગીચા, અતિ ભેજવાળી જગ્યા અને જંગલ જેવા વિસ્તારમાં શંખ સાથે અને શંખ વગર પ્રાણીઓ જોવા મળતા હોય છે. શંખ સાથે જોવા મળતા પ્રાણીનું નામ સ્નેઈલ અને શંખ વગર જોવા મળતા પ્રાણી નું નામ સ્લગ હોય છે આ બંને મૃદુકાય સમુદાયના પ્રાણીઓ દેશી ભાષામાં ગોકળગાયની જાતિના હોય છે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અતિ ભેજવાળા સમયમાં જ આ પ્રાણી સાર્વત્રિક જોવા મળે છે આ સિવાય શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન તે શીત અને ગ્રીસ નિંદ્રામાં ચાલ્યા જતા હોય છે જે વરસાદ પડતા જ ફરીથી બહાર આવે છે.
એક જ પ્રાણીમાં નર અને માદાના પ્રજનન અંગો: સ્નેઇલ કે સ્લગ આ પ્રાણી પ્રજનનની દ્રષ્ટિએ પણ અન્ય પ્રાણીઓથી અલગ તરી આવે છે. પ્રત્યેક પ્રાણીમાં નર અને માદાના પ્રજનન અંગો એક સાથે જોવા મળે છે, જેને કારણે તે આ ઋતુ દરમિયાન પોતાની સંતતિનો વિસ્તાર પણ કરતા હોય છે. વધુમાં આ પ્રાણી પોતાની જાતને શંખમાં સુરક્ષિત રાખે છે. પરંતુ ચાલવા માટે આ પ્રાણીના પેટ પર પગ હોય છે, જેને કારણે પણ તે અન્ય પ્રાણીઓ કરતા અલગ જોવા મળે છે. સ્નેઈલ અને સ્લગ સંપૂર્ણ શાકાહારી પ્રાણી છે. તે આ સમય દરમિયાન વનસ્પતિ અને વનસ્પતિના અન્ય અવયવોને ખોરાક તરીકે ઉપયોગ કરીને ત્યાર બાદ ઉત્સર્જન મારફતે બગીચા કે ઝાડને ખાતર પણ પૂરું પાડે છે.
શિયાળા અને ઉનાળામાં સ્વયં સુરક્ષા: ચોમાસાને બાદ કરતી શિયાળા અને ઉનાળાની ઋતુ સ્નેઈલ અને સ્લગ માટે પ્રાણ ઘાતક બનતી હોય છે. ત્યારે આવા સમયે શંખમાં રહેલું સ્નેઈલ પોતાના શરીરમાંથી શ્લેષમાં રૂપે પ્રવાહી છોડીને શંખનો ખુલ્લો ભાગ બંધ કરી દે છે, જેને કારણે તેનું શરીર ગરમી અને ઠંડીથી સુરક્ષિત બને છે. તેવી જ રીતે સ્લગ પણ પોતાના શરીરમાંથી ચીકણું પ્રવાહી છોડીને શરીરને ફરતે કેલ્શિયમનું કડક પડ બનાવે છે, જેથી તે ઠંડી અને ગરમીથી પોતાનું રક્ષણ કરીને જીવન ટકાવી શકે. જમીન પર જોવા મળતા મોટાભાગના સ્નેઈલ કે સ્લગ બિન ઝેરી હોય છે. પરંતુ દરિયાઈ સ્નેઈલ કે સ્લગમાં ઝેરી ડંખ જોવા મળતા હોય છે. કેટલાક દેશોમાં સ્નેઈલ અને સ્લગનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. પરંતુ તેને ખૂબ જ સાવચેતી પૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. સ્નેલ અને સ્લગના શરીર પર અસંખ્ય બેકટેરીયા અને વાઇરસ હોય છે, જેને કારણે તેને સંપૂર્ણ સ્વચ્છ કર્યા બાદ કેટલાક દેશના લોકો ખોરાક તરીકે પણ તેનો ઉપયોગ કરે છે.