બનાસકાંઠા: ધાનેરા ખાતે હજરત ઇમામ હુસેન અને 72 શહીદોના માનમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ મનાવવામાં આવી હતી. ઝુલુસ ઇમામવાડાથી ધાનેરાના અનેક રાજમાર્ગો પર ફરી ઇમામવાડા ખાતે પરત આવ્યું હતું.
ઇમામ હુસેનના બલિદાનની યાદમાં મહોરમ: ઇસ્લામિક કેલેન્ડર મુજબ પ્રથમ માસને મોહરમ તરીકે ઓળખવામાં આવે છે. હજરત ઇમામ હુસેને માનવતાના મૂલ્ય ખાતર બલિદાન આપ્યું હતું. જેની યાદમાં મુસ્લિમ સમાજ દ્રારા તાજિયા ઝુલુસ નિકાળીને શોક મનાવવામાં આવે છે. ઝુલુસનું શહેરની દરેક ગલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. હિન્દુ-મુસ્લિમોએ તાજિયાના દર્શન કરી અનેકતામાં એકતાની ભાવના બતાવી હતી. સમગ્ર ઝુલુસ દરમિયાન ધાનેરા પોલીસ પણ ખડેપગે જોવા મળી હતી.
ધાનેરામાં મહોરમની ઉજવણી: બનાસકાંઠાના ધાનેરા શહેર ખાતે આજે મહોરમની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મમાં મહોરમ મહિનો ખૂબ જ વિશેષ અને પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તે ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત પર શોક મનાવીને ઉજવવામાં આવે છે. ઈસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિનાનો 10મો દિવસ ખૂબ જ ખાસ છે. જે આસુરા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પયગંબર હજરત મહમ્મદ સાહેબના નાના પૌત્ર હજરત ઈમામ હુસેન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. શિયા મુસ્લિમો આ મહિનાને તહેવાર તરીકે નહીં પણ શોકના મહિના તરીકે ઉજવે છે.
થરાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ઝુલુસ: જ્યારે બનાસકાંઠાના થરાદ ખાતે પણ મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં કાજીવાસથી તાજિયા ઝુલુસ નીકળ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં ઝુલુસ નીકળ્યું હતું. હજરત ઈમામ હુસેનની કુરબાની આજે પણ ભુલાઈ નથી. જ્યારે તાજિયા ઝુલુસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કરબતો કરવામાં આવ્યા હતા. નગરમાં ઠેર ઠેર જગ્યાએ પાણી શરબતની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જ્યારે આ મામલે પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઝુલુસ નીકળ્યું હતું.