મોરબી: વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા ચાર ખનન માફિયાઓને એસઓજી ટીમ અને વાંકાનેર ડીવાયએસપી ટીમે ઝડપી લઈને 1161 કિલો એક્સપ્લોઝીવનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસ ઓ જી ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી: મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, તરકીયા ગામની ઓળ નામની સીમમાં મુન્નાભાઈ વલુભાઈ ભરવાડ ગેરકાયદે એક્સપ્લોઝીવનો જથ્થો રાખી કોઈપણ જાતની મંજુરી વગર સરકારી ખરાબામાં પથ્થર કાઢવાની તૈયારી કરી રહ્યા છે. જે બાતમીને આધારે એસઓજી ટીમ અને વાંકાનેર ડીવાયએસપીની ટીમે સ્થળ પર રેડ કરતા આરોપી મુન્નાભાઈ વલુભાઈ બાંભવા રહે તરકીયા, પ્રદીપ આલકુંભાઈ ધાધલ રહે, મેસરિયા તા. વાંકાનેર, રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઈ સોનારા રહે, જાનીવડલા તા.ચોટીલા અને રણુંભાઈ બાલાભાઈ બાંભવા રહે, તરકીયા એમ ચાર ઇસમોને ઝડપી લીધા હતા.
ચાર ઈસમોને ઝડપી 1161 કિલો એક્સપ્લોઝીવનો જથ્થો જપ્ત કર્યો: આરોપીઓ તરકીયા ગામના સરકારી ખરાબા સર્વે નં 161/1 પૈકી 24 વાળી જમીનમાં આશરે 57 જેટલા બોર કરેલ જે 45 ફૂટ ઊંડા કરી તે પૈકીના 14 બોરમાં જીલેટીન સ્ટીક અને ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખ્યા હતા. આરોપીઓને ઝડપી લઈને સ્થળ પરથી જીલેટીન સ્ટીક નંગ 418 વજન 1161 કિલો કીમત રૂ 92,796, ઈલેક્ટ્રોનિક ડીટોનેટર (dth વાયર) નંગ 50 કીમત રૂ 7440, TLD વાયર નંગ 90 કીમત રૂ 3600 અને મોબાઈલ નંગ 05 કીમત રૂ 25 હજાર સહીત કુલ રૂ 1,28,836 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.
અન્ય બે સખ્સોના નામ ખુલ્યા: અન્ય આરોપી લોમકુ માનસીભાઈ ખાચર રહે, મેસરિયા તા. વાંકાનેર અને દેવાયત ડાંગર રહે, બેટી તા. મોરબી એમ બે ઇસમોના નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે. તેમજ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આઈપીસી કલમ 284,308 અને એક્સપ્લોઝીવ એક્ટ કલમ 9બી(1 બી) તથા એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ 1908 ની કલમ 4,6 મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.