મહેસાણા : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવ પાલિકાને મહાનગરપાલિકામાં તબદીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાંથી એક મહેસાણા પણ છે. સત્તાવાર જાહેરાત થયા બાદ મહેસાણા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને અન્ય હોદેદાર નીમવા સહિતની જરૂરી કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
મહેસાણા મનપાની કામગીરી શરૂ : મહેસાણા મહાનગરપાલિકા બનતા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતના રેકોર્ડ કબજે લેવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ગ્રામ પંચાયતના મહત્વના તમામ રેકર્ડ હવે મહેસાણા મહાનગરપાલિકા હસ્તક લેવામાં આવશે. મહેસાણા મહાનગરપાલિકા બનતા 9 જેટલા અધિકારીઓને કામે લગાડી દેવાયા છે.
ગ્રામ પંચાયતના તમામ રેકર્ડ હસ્તગત કરાશે : અધિકારીઓએ મહાનગરપાલિકામાં ભળનાર ગ્રામ પંચાયતો પાસેના રેકોર્ડ, એકાઉન્ટ, જમાં રોજમેળ, પાસબુક, રોજિંદા હિસાબો, ગુમાસ્તા ધારાના રેકર્ડ કબજે લેવાની કામગીરી શરૂ કરી દીધી છે. ગ્રામ પંચાયતોમાંથી લગ્ન, જન્મ અને મરણના જૂના રેકોર્ડ મેળવવામાં આવશે. વાહન ડીઝલની પાવતી પણ કબજે લેવાશે.
ડિજિટલ સેવાઓ તાત્કાલિક શરૂ કરાશે : આ દરમિયાન ગ્રામ પંચાયતોની રોજની કામગીરીમાં વિક્ષેપ ન પડે એ પણ ધ્યાન રખાશે. ડિજિટલ સેવાઓ તાત્કાલિક શરૂ કરાશે. બે થી ત્રણ દિવસમાં કામગીરી થઈ જશે. જે તે ગ્રામ પંચાયત આગળ મહાનગરપાલિકા ના બોર્ડ પણ લગાવી દેવાયા છે. એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવાયું છે. જેથી કોઈ પણ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ શકે.