અમરેલી: અમરેલી જિલ્લાનાં બાઢડા ગામમાં રહેતા તરુણાબેન દેવાણી નામના મહિલાએ પહેલાં ક્યારેય ડ્રોન શું છે તેના વિશે કંઈ ખબર ન હતી. જોકે, સખીમંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં ડ્રોન દીદી કાર્યક્રમ અંગે તેમને માહિતી મળી હતી અને અહીંથી 'ડ્રોન દીદી' બનવાની તેમની સફર શરૂ થઈ. તરૂણાબેને ત્યારે ડ્રોન દીદી બનવાનો નિર્ણય કર્યો અને આજે તેઓ ડ્રોનથી દવાનો છંટકાવ કરીને મહિને સારૂ એવું આર્થિક વળતર મેળવી રહ્યાં છે.
ડ્રોન પાયલોટ તરૂણાબેન: અમરેલી સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહિલાઓ પણ ખેતીકાર્યમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે, અને મહિને હજારો-લાખો રૂપિયાની કમાણી પણ કરી રહી છે. જિલ્લાની મહિલાઓ ખેતી અને પશુપાલનમાં કાઠું કાઢી રહી છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના દેવાણી તરુણાબેન ડ્રોન પાયલોટ બનીને અનોખી કામગીરી કરી રહ્યા છે. ડ્રોન મારફતે ખેતરમાં અલગ-અલગ પાકમાં દવાનો છંટકાવ કરી માત્ર 1 મહિનામાં તેઓ 50,000 રૂપિયા કરતાં વધુની આવક મેળવી છે અને આમ આત્મનિર્ભરતાની દિશામાં અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા રૂપ બની રહ્યાં છે.
ડ્રોન દીદી તરીકે થયાં જાણીતા: ડ્રોન દીદી તરીકે જાણીતા તરુણાબેને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, અને ગામની અંદર તેઓ સખી મંડળનું સંચાલન કરવાની સાથે-સાથે અને અલગ-અલગ વ્યવસાય પણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ પ્રાકૃતિક ખેતી પણ કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ મહિલાઓને આપીને તેમને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. હાલ ગુજરાતમાં ચાલી રહેલી ડ્રોન દીદી યોજના અંતર્ગત તરુણાબેનની પસંદગી કરવામાં આવી હતી.
સરકારની યોજના દ્વારા 4.50 લાખ રૂપિયાનું ડ્રોન વિનામૂલ્યે મળ્યું
તરુણાબેને વડોદરા તેમજ દાંતીવાડા ખાતે ડ્રોન કઈ રીતે ચલાવવું? ડ્રોન દ્વારા કઈ રીતે દવાનો છંટકાવ કરવો? અંગેની 15 દિવસની તાલીમ મેળવી હતી અને બ્રોડ પાયલોટનું સર્ટિફિકેટ મેળવ્યું હતું. ત્યારબાદ તરુણાબેનને સરકારની યોજના દ્વારા 4.50 લાખ રૂપિયાનું ડ્રોન વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું. તરુણાબેન હાલ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે અનેે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યાં છે.
મહિને 50 હજારથી વધુની કમાણી: તરુણાબેને જણાવ્યું કે, તેઓ 1 એકરમાં ડ્રોનથી દવાનો સ્પ્રે કરવા માટે 300 રૂપિયા લે છે. માત્ર 7 મિનિટમાં એક એકર જમીન પર દવાનો છંટકાવ થઈ જાય છે. બાગાયતી પાકમાં છંટકાવ કરવા માટે 1 એકરનાં 500 રૂપિયા ચાર્જ લે છે. આમ ડ્રોન દ્વારા પાક પર દવાના છટકાવથી તેમને 1 મહિનામાં 50,000 થી વધુની આવક મળી રહી છે અને હજુ પણ સતત આ પ્રમાણે ઓર્ડર મળે તો હજુ પણ આવક વધી શકે તેમ છે.
'પહેલાના સમયમાં ખેડૂતો માનવબળ અને સમય શક્તિનો વધુ ઉપયોગ કરતા હતા. પરંતુ ડ્રોન આવતા હવે એક દિવસનું કામ ચાર કલાકમાં પૂર્ણ થાય છે, અને સમય અને શક્તિનો પણ બચાવ થાય છે, જેથી ખેડૂતોએ હવે આ ડ્રોન મારફતે દવા છંટકાવ કરવી ખૂબ જ જરૂરી છે. જેથી આર્થિક ખર્ચમાં પણ ઘટાડો થાય છે' - તરુણાબેન દેવાણી, ડ્રોન દીદી