ગાંધીનગર: રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે જેમાં અત્યાર સુધીમાં 24થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં અનેક માસૂમ બાળકો હોમાયા છે. ગુજરાતમાં સુરત તક્ષશિલા કાંડ, મોરબી ઝુલતો પુલ દુર્ઘટના, હરણી તળાવ દુર્ઘટના, કાંકરિયા તળાવ બાલવાટીકા દુર્ઘટના સહિત અનેક મોટી દુર્ઘટનાઓ બની છે.
રાજ્યમાં અવારનવાર બને છે ગંભીર ઘટનાઓ: રાજ્યમાં અવારનવાર આવી ઘટનાઓ બને છે. જેમાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. હંમેશાની જેમ જ્યારે આવી દુર્ઘટનાઓ બની જાય છે ત્યાર બાદ સરકાર દ્વારા તપાસની ખાતરીઓ માત્ર અપાય છે. પરંતુ થોડા સમય બાદ આ ઘટના વિશે વાત પણ કરવામાં આવતી નથી. નેતાઓ આવી મોટી દુર્ઘટના થયા બાદ ફોટા પડાવવા આવી જાય છે. કેમેરા સામે ખોટા આશ્વાસનો આપીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે પગલા લેવાના વચનો આપીને જતા રહે છે. ત્યારબાદ ન તો આરોપીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી થાય છે ન તો આવી દુર્ગટનાઓ બંધ થાય છે.
ઘટના બાદ તપાસ પંચનું તરકટ રચાશે: જ્યારે પણ કોઇ મોટી દુર્ઘટના થયા બાદ નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે દુર્ઘટના સ્થળે પહોંચી જાય છે અને તપાસ પંચ રચીને તપાસ કરવાનું આશ્વાસન આપે છે. હવે જોવાનું રહ્યુ છે કે, રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે તપાસપંચના નામે કેસને ઢીલો પાડવાનો પ્રયાસ કરાય છે.
રાજકોટ અગ્નિકાંડ પહેલાની ગંભીર ઘટનાઓ: વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીના રોજ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17 લોકોના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં તંત્રની અનેક ક્ષતિઓ પ્રકાશમાં આવી હતી. બીજી ઘટના 30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે લગભગ 141 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ દુર્ઘટનામાં પણ અનેક માસૂમ બાળકો મોતને ભેટ્યા હતા. પુલનું સમારકામ ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યું હતું. ખાનગી કંપનીની બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાય હતી.
સુરત તક્ષશિલાની ઘટના જેવી રાજકોટની ઘટના: રાજકોટ અગ્નિ કાંડની ઘટનાએ સુરત તક્ષશિલા આગ ઘટનાની યાદ અપાવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં 24 મે, 2019ના રોજ તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી. ફેશન ડિઝાઇનિંગના કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. એ સમયે આગ લાગતાં આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના જીવ હોમાયા હતા. આ દુર્ઘટના બાદ મનપા અને ફાયર અધિકારીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ હતી. વર્ષ 2109માં કાંકરીયા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતા 2 વ્યક્તિઓના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા.આવી ઘટનાઓ રાજ્યમાં સતત વધતી જાય છે. સરકાર આવી મોટી દુર્ઘટનાઓ રોકવા માટે કેવા પગલાં લે છે હવે તે જોવું રહ્યું. જોકે વારંવાર આવી ઘટનાઓ બનતા સરકાર નક્કર પગલા લેશે એતો ખાલી હવામાં વાતો હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે આવી ઘટનાઓનો અંત ત્યારે આવશે જ્યારે સત્તાના નશામાં ચુર સરકાર જનહિત માટે કામ કરશે.