પોરબંદર : ભક્તિ, શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. ગુજરાતભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થાય છે. પણ હવે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ગરબા રમ્યા વગર રહી શકતા નથી. આ વર્ષે યુકેમાં વસતા લોકોએ નવરાત્રીનું ભવ્ય આયોજન કર્યું છે. જેમાં મણિયારો રાસની રમઝટ બોલાવવા પોરબંદરથી આઠ કલાકારોનું ગ્રુપ ખાસ UK જઈ રહ્યું છે.
વિદેશમાં રમઝટ બોલાવતા દેશી કલાકાર : પોરબંદરના જાણીતા ગાયક લાખણશી આંત્રોલીયાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, નવરાત્રીના પાવન ઉત્સવ પર યુકેમાં આ વખતે આઠ જેટલા કલાકારો જઈ રહ્યા છીએ. જેમાંથી હું ચોથી વખત યુકે જઈ રહ્યો છું. યુકેમાં મહેર કોમ્યુનિટી સેન્ટર હોલમાં યોજાતા ગરબામાં અમે પરફોર્મન્સ આપીએ છીએ. લોકો પણ ઢોલના તાલે અને શરણાઈના સૂરમાં ગરબા રમતા લીન થઈ જાય છે.
UK માં મણિયારા રાસની રમઝટ : પરંપરાગત મણીયારા રાસના ગાયક તરીકે ફેમસ થયેલા લાખણશીએ જણાવ્યું કે, મણીયારા રાજ સિવાય વર્સેટાઇલ ગાયન કરી શકું છું, જેમાં જુના ગરબા, ઉત્તર ગુજરાતી, કચ્છી અને બોલીવુડ દાંડિયા પણ પર્ફોર્મ કરી શકે છે. આ ઉપરાંત ઇંગલિશ ગરબો ગાઈ શકે છે, જે તેમની અલગ વિશેષતા છે. લાખણશી આંત્રોલીયા માતાજીની આરાધના અંગ્રેજીમાં કરે છે. મોટાભાગના યુકેના લોકો ઇંગ્લિશ બોલતા હોય છે, આથી તેઓને આ ગરબો ખૂબ ગમે છે.
પરંપરાગત મહેર સંસ્કૃતિ : વિદેશમાં વસતા મહેર સમાજના લોકોએ હજુ પણ પરંપરા જાળવી રાખી છે. મહેર સમાજના પરંપરાગત પહેરવેશ પહેરી અને મહેર સમાજની ઝાંખી યુકેમાં પણ જોવા મળે છે. નવરાત્રી સમયે મહિલાઓ કાપડું, ઓઢણું, ઢાળવો અને ઘરેણા પહેરી નવરાત્રીના રાસ લે છે. તો પુરુષો આંગળી, ચોરણી, પાઘડી અને સફેદ શર્ટ પહેરીને મણીયારો રાસ રમે છે, ત્યારે જાણે તેઓ ગુજરાતમાં જ હોય તેવું વાતાવરણ સર્જે છે. પરંપરાની ઝાંખી અદભુત લાગે છે, સાથે જ આ એક વારસાનું જતન પણ કરી શકાય.
સ્થાનિક કલાકારો માટે ગૌરવ : સામાન્ય રીતે ગુજરાતમાં નવરાત્રીના અનેક કાર્યક્રમો થતા હોય છે. પરંતુ કલાકારોને મળતું મહેનતાણું ગુજરાત કરતા યુકેમાં વધારે હોય છે. આથી યુકેમાં જે કલાકારો જાય છે તેઓ વધુ રકમ કમાય છે અને પરિવારોનું જીવનધોરણ પણ વધે છે. સામાન્ય પરિવારમાંથી આવતા કલાકારોને આ સ્ટેજ મળે ત્યારે તેઓ ગર્વ અનુભવે છે કે તેઓને યુકેમાં પરફોર્મન્સ કરવાનો મોકો મળે છે.
ઢોલના તાલે ચાબખી રમતા ખૈલયા : બખરલા ગામે હોળી નિમિત્તે મણિયારા રાસ સાથે જયેશભાઈ જેઠવા તથા તેમના પિતા અને ભાઈ ઢોલની રમઝટ બોલાવે છે. ઢોલના તાલે મહેર સમાજના યુવાનો ચાબખી લેતા હોય છે. કહેવાય છે કે મણિયારા રાસમાં ઢોલ ન હોય તો મણિયારો રાસ શક્ય નથી. ઢોલ વગાડવાની કળા અલગ છે.
"ઢોલ વગર મણીયારો રાસ અધૂરો" : પોરબંદરના જયેશ જેઠવાએ જણાવ્યું હતું કે, ઢોલ વગાડવો એ અમારો વારસાનો ધંધો છે અને ઢોલના કારણે અમે ફેમસ થયા છીએ. વિશ્વવિખ્યાત મણીયારા રાસમાં ઢોલ વગાડવો એ અમારા માટે ગર્વની વાત છે. આ કળાના કારણે જ અમે પાંચમી વખત વિદેશ જઈ રહ્યા છીએ. યુકેમાં વસતા લોકો અમને ખૂબ જ પ્રેમભાવ આપે છે અને અમારા પરિવારને રોજગારી પણ મળે છે.