જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પર આગામી 7 મેના દિવસે પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. માણાવદર વિધાનસભા બેઠક પર 22 વર્ષ બાદ ફરી એક વખત પાટીદાર અને તેમાં પણ કડવા પાટીદાર ઉમેદવાર વચ્ચે મુખ્ય રાજકીય જંગ ખેલાવા જઈ રહ્યો છે.
ઇતિહાસનું પુનરાવર્તન : અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે આ બેઠક પર પાટીદાર અને આહિર ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વર્ષ 2002 માં ભાજપના રતિભાઈ સુરેજા અને કોંગ્રેસના ચંદુભાઈ ફળદુ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ત્યારબાદ આ વર્ષે ફરી એકવાર બે કડવા પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ભાજપના અરવિંદ લાડાણી અને કોંગ્રેસના હરિભાઈ કણસાગરા ઉમેદવાર છે.
પાંચ વર્ષ બાદ ફરી એક પેટા ચૂંટણી : વર્ષ 2019 માં પણ લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. હવે પાંચ વર્ષ બાદ ફરી એક વખત માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ રહી છે. 2019 લોકસભા ચૂંટણી પૂર્વે જવાહર ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ પેટા ચૂંટણી યોજાઈ જેમાં જવાહર ચાવડાનો મુકાબલો કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે થયો અને જવાહર ચાવડાનો વિજય થયો હતો.
માણાવદર વિધાનસભા બેઠક : વર્ષ 2022 વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના જવાહર ચાવડા સામે કોંગ્રેસે અરવિંદ લાડાણીને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં અરવિંદ લાડાણી જોઈન્ટ કિલર સાબિત થયા અને ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડાનો માણાવદર વિધાનસભા બેઠક પરથી પરાજય થયો હતો. 1990 થી માણાવદર વિધાનસભા બેઠક પર વિજેતા ધારાસભ્યના નામની વિગતો તપાસીએ તો અહીંથી જવાહર ચાવડા પાંચ વખત, રતિભાઈ સુરેજા ત્રણ વખત અને અરવિંદ લાડાણી એક વખત ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે.
ફરી એકવાર પાટીદાર vs પાટીદાર : લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ભાજપે તેમને માણાવદર વિધાનસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે. તેની સામે કોંગ્રેસના હરિભાઈ કણસાગરા ચૂંટણી જંગ ઉતર્યા છે. 22 વર્ષ પછી માણાવદર વિધાનસભા બેઠક પર બે કડવા પાટીદાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાવા જઈ રહ્યો છે.