જૂનાગઢ : લોકસભા ચૂંટણી ટાણે ફરી એક વખત ગીરમાં રહેતા માલધારી સમાજનો મુદ્દો સપાટી પર આવતા જોવા મળી રહ્યો છે. ગીર વિસ્તારમાં રહેતા માલધારીઓ જંગલમાં તેમને પડતી કેટલીક મુશ્કેલીઓને લઈને અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં અત્યાર સુધી માલધારી સમાજના પ્રશ્નોના નિરાકરણને લઈને કોઈ હકારાત્મક અભિગમ સાથે સરકાર કે વન વિભાગ સામે આવ્યું નથી. તેના વિરોધમાં ગીર વિસ્તારના માલધારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
માલધારી સમાજ દ્વારા વિરોધ : ગીર અને અભયારણ્યમાં રહેતા માલધારી સમાજનો મુદ્દો ચૂંટણી ટાણે સામે આવ્યો છે. ગીરમાં રહેતા માલધારીઓ તેમની પડતર માંગો અને પ્રશ્નોને લઈને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ આજદિન સુધી તેમના એક પણ પ્રશ્નનું નિરાકરણ રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી. જેના વિરોધમાં આજે ફરી એક વખત ગીર વિસ્તારના માલધારીઓએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને નેશમાં તેમને પડતી મુશ્કેલીઓ અને તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ કરી છે.
20 વર્ષમાં સમસ્યા વકરી : ગીર વિસ્તારમાં પરંપરાગત રીતે આદિ અનાદિ કાળથી રહેતા માલધારી સમાજની સમસ્યા 20 વર્ષથી સતત વધતી જોવા મળી રહી છે. વર્ષોથી પરંપરાગત રીતે જંગલમાં રહેતા માલધારીઓ સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ માટે પણ મહત્વના છે. ત્યારે આધુનિક સમયમાં માલધારીઓને જંગલ વિસ્તારમાં કેટલીક સુવિધા મળવી જોઈએ તેને લઈને તેઓ માંગ કરી રહ્યા છે.
પાયાના જીવન માટે ફાંફાં : જંગલ વિસ્તારમાં બાળકોને યોગ્ય શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી અને હોસ્પિટલ જેવી પાયાની સુવિધા મળવી જોઈએ. સાથે તેમના ઘરે આવનાર વ્યક્તિને પણ વન વિભાગ રોકી રહે છે. સામાજિક કે માઠા પ્રસંગોમાં પણ જંગલ વિસ્તારમાં ન રહેતા લોકોને વન વિભાગ પરિવારના પ્રસંગોમાં સામેલ થવા દેતી નથી. જેનો માલધારી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે.
વારસાઈ હક માટે લડત : વારસાઈ હક માટે પણ માલધારી પાછલા ઘણા વર્ષોથી લડત કરી રહ્યા છે. તેઓ સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે અમને જંગલની બહાર અમારી ભૌતિક પરિસ્થિતિમાં સ્થળાંતર કરવામાં આવે તો અમે જંગલ છોડવા પણ તૈયાર છીએ. પરંતુ સરકાર કે વન વિભાગ આ દિશામાં પણ કોઈ કામ કરતી નથી. જેના કારણે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.