મહીસાગર : મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભુગેડી ગામે છેલ્લા કેટલાય વર્ષોથી અંતરિયાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો પશ્ચિમ બંગાળનો રહેવાસી પ્રદીપકુમાર સુબ્રતકુમાર બિશ્વાસ ઝડપાયો છે. સંતરામપુર તાલુકાના આદિવાસી ભાઈઓ અને બહેનોના આરોગ્ય સાથે ચેડા કરી કોઈપણ જાતના મેડિકલ સર્ટિફિકેટ વગર એલોપેથી દવા સહિત ઇન્જેક્શનો મૂકી ગરીબ ભોળી જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા ઝોલા છાપ ડોકટરને પકડવામાં મહીસાગર એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે.
ગઇકાલના અમને એવી માહિતી મળેલી કે સંતરામપુર પોલીસની હદમાં ભુગેડી ગમે કોઈ બોગસ ડોક્ટર ગરીબ માણસોની સારવાર કરે છે. બોગસ ડિગ્રી ધરાવે છે. તે હકીકતના આધારે અમારી એસઓજીની ટીમ ત્યાં ગયેલી. પંચો અને સ્થાનિક ડોકટર રાખીને રેઇડ કરતાં ડોક્ટર બોગસ, ડોક્ટર તેમજ મેડિકલના સાધનો સાથે આ દવાઓ સાથે આરોપી મળી આવેલો અને એને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ડોક્ટર અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે તપાસ કરાશે. આરોપીના જે બનેવી છે એ દવાખાનું ચલાવતા હતા અને એના બનેવી પોતાના વતને જતાં આ દવાખાનું એને સોપીને જતાં. આ ડોક્ટર દવાખાનું ચલાવતો હતો. ડોક્ટર લગભગ બે માસથી દવાખાનું ચલાવતો હતો તે જાણવા મળેલ છે. એની તપાસ ચાલુ છે...એ. બી. અસારી (પીઆઈ, એલસીબી, મહીસાગર )
પશ્ચિમ બંગાળનો રહેવાસી નકલી ડોક્ટર : મળતી વિગત અનુસાર છેલ્લા કેટલાય વર્ષોથી પ્રદીપકુમાર સુબ્રતકુમાર બિશ્વાસ નામનો ઈસમ ભુગેડી ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી દવાખાનું ચલાવતો હતો. જેની મહીસાગર SOG ને બાતમી મળતા આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરતા સદર ડોક્ટર ઝોલા છાપ હોવાનું સામે આવતા ગ્રામ્ય વિસ્તારમાં હડકંપ મચવા પામ્યો છે. છેલ્લા કેટલાય સમયથી જિલ્લાની અંદર અંતરિયાળ વિસ્તારોના આદિવાસી ભોળી પ્રજાને ઝોલા છાપ ડોક્ટરો દવા આપી તેઓના જીવને જોખમમાં મૂકી રહ્યો હતો, ત્યારે પશ્ચિમ બંગાળનો રહેવાસી ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનુ તેમજ ફેરી મારી દવા કરતો હતો. ગામે ગામ જઈ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હાલ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
નકલી ડોક્ટર સામે ગુનો નોંધાયો : ત્યારે પોલીસે રેડ કરી વિવિધ આરોગ્ય લક્ષી સાધનો સહિત દવાઓનો જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા 92,108 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહીસાગર પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 અને કલમ 30 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.