નવસારીઃ શિવનો મહિમા અપરંપાર છે. તેથી શિવરાત્રીના રોજ શિવભક્તો શિવજીને રીઝવવા માટે કમળ શિવજીને ચડાવતા હોય છે. તેથી નવસારીના સદલાવ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતે 1 ટન ઘીમાંથી વિવિધ મંદિરો માટે 21 મહાદેવજી અને કમળની પ્રતિમા બનાવી ભક્તોના મન મોહી લીધા છે.
12મુ પાસ ખેડૂત મૂર્તિ તૈયાર કરે છેઃ નવસારી નજીક સદલાવ ગામના 12મુ પાસ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત હેમંત પટેલ છેલ્લા 40 વર્ષથી 1 પણ રૂપિયો ચાર્જ લીધા વગર મંદિરો માટે ઘીના કમળ અને ઘીની ભગવાન શિવની પ્રતિકૃતિ બનાવી આપે છે. તેઓ માત્ર ઘીના પૈસા લે છે પરંતુ પોતાની કળા કે મહેનતનો કોઈ પણ ચાર્જ લેતા નથી. અત્યાર સુધીમાં તેમણે લગભગ 1300 જેટલી ઘીની પ્રતિકૃતિઓ તૈયાર કરી છે. આ વર્ષે તેમને 21 જેટલી ભગવાન શિવની પ્રતિકૃતિ અને 25 જેટલા ઘીના કમળ બનાવ્યા છે.
મૂર્તિ બનાવતા 12 કલાક થાય છેઃ ઘીમાંથી તૈયાર કરવામાં આવતી પ્રતિકૃતિ બનાવવામાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે હાનિકારક કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઘીને ફીણાવીને મસળીને સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે. એક મૂર્તિ બનાવવામાં લગભગ 12 કલાક જેટલો સમય જાય છે. આ વર્ષે એમણે સદલાવ ગામના ચંદ્રકેશ્વર મહાદેવ મંદિર માટે 78 કિલો ઘીમાંથી આરામ કરતા શિવજી અને કેદારનાથની પ્રતિકૃતિ બનાવી છે. એમના દ્વારા બનાવવામાં આવેલ પ્રતિકૃતિ સામાન્ય તાપમાનમાં પણ ઓગળ્યા વિના રહે છે. તેમણે નવસારી જિલ્લાના મંદિરો ઉપરાંત પાલીતાણા, મહાબળેશ્વર જેવા દૂરના મંદિરો માટે પણ મૂર્તિઓ બનાવી છે.
મૂર્તિ બાદ ઘીના વિવિધ ઉપયોગઃ મંદિરમાં આ ઘીની મૂર્તિઓને શિવરાત્રી બાદ વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં આવે છે. આ ઘીને ગાયના ખોરાક માટે, દીવામાં અથવા તો તળાવ-નદીમાં પધરાવવામાં આવે છે. વલસાડનું તડકેશ્વર મંદિર હોય કે ગડતનું કામેશ્વર મંદિર હોય કોઈપણ મંદિરમાં હેમંત પટેલે બનાવેલ ઘીની કલાકૃતિઓ પહોંચે છે.
ઘીમાંથી પ્રતિકૃતિ બનાવનાર હેમંત પટેલ જણાવે છે કે, મને ભગવાન શિવ સાથે અનહદ પ્રેમ છે. તેથી હું નાનપણથી જ મૂર્તિ બનાવવાનો શોખીન છું. મેં શિવની સેવા કરવા માટે ઘીમાંથી શિવ અને કમળની મૂર્તિ બનાવવાનું શરુ કર્યુ છે. ઘીમાંથી બનેલ મૂર્તિઓ ભક્તો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. મૂર્તિ બનાવવા માટે માત્ર ઘીના પૈસા લઉં છું અન્ય કોઈ ચાર્જ કે નફો લેતો નથી.