પોરબંદર: ધોરાજી શહેરમાં ભાજપના ઉમેદવારને નુકસાન થાય તેવા બેનર્સ લગાડીને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરાયો છે. આ અનુસંધાને જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ ઓડેદરા તેમજ લીગલ સેલના વડા એડવોકેટ કેતન દાણી દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ નોંધાવી છે જેની એક કોપી ગુજરાત ચૂંટણી આયોગ ને પણ મોકલાઈ છે.
વિપક્ષના પેટમાં તેલ રેડાવાનો આક્ષેપઃ લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. દરેક પક્ષે પોતાના ઉમેદવારો જાહેર થઈ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન ડૉ.મનસુખ માંડવિયાને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. ડૉ.માંડવિયાની ઉમેદવારી થી વિરોધપક્ષના પેટમાં તેલ રેડાયું છે અને નિરાશમાં તેઓ ભાજપ ઉમેદવાર વિરુદ્ધ બેનર્સ લગાડી રહ્યા છે. તેવો આક્ષેપ ભાજપ દ્વારા કરાયો છે. ધોરાજીમાં વિવિધ સ્થળો એ ભાજપના ઉમેદવારને નુકસાન અને હરીફ ઉમેદવારને ફાયદો થાય એવા શબ્દ પ્રયોગોવાળા બેનર્સ લગાડાયા છે. આ પ્રયાસથી આદર્શ આચાર સંહિતા અને તેની ગાઈડલાઈનનો ભંગ થયો છે. આ બેનર માં લખાયેલા વાક્યોથી ઉમેદવારની પ્રતિષ્ઠા ઉપરાંત સામાજિક સોહાર્દને ગંભીર નુકસાન પહોંચે છે. આ ઉપરાંત ક્ષત્રવાદને પોષક શબ્દોનો ઉલ્લેખ દ્વારા ગંભીર નુકસાન કરવાના હેતુ સાથે બેનર્સ લગાડવા માં આવ્યા છે. આ અનુસંધાને જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ ઓડેદરા તેમજ લીગલ સેલના વડા એડવોકેટ કેતન દાણી દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ નોંધાવી છે જેની એક કોપી ગુજરાત ચૂંટણી આયોગ ને પણ મોકલાઈ છે.
વિવિધ કલમો લગાડાઈઃ ધોરાજી શહેરમાં લગાવેલા આ પોસ્ટર જાહેર મિલકત અને રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 127 Aની જોગવાઇ ઉપરાંત IPC કલમ 171Hનો ભંગ છે. બદઈરાદા સાથે બેનરનું ઠેર ઠેર લગાડવું IPC કલમ 120A હેઠળ ગુનો છે. તેથી ત્વરિત કાયદાકીય પગલાં અત્યંત આવશ્યક છે.
પોરબંદર ભાજપનું સ્પષ્ટ વલણઃ હજી તો ચૂંટણીની તૈયારીઓ પ્રારંભિક તબક્કા માં છે ત્યારે હાર ભાળી ચૂકેલ વિરોધ પક્ષ આવા ગેર બંધારણીય હરકતો દ્વારા ચૂંટણીના વાતાવરણને ડહોળવાના પ્રયત્નો કરે તે ભાજપ કદાપિ સહન નહીં કરે તેવું પોરબંદર લોકસભા સીટ ચૂંટણી પ્રબધન ટીમના વડા અને સંગઠન પ્રભારી પ્રદીપ ખીમાણી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા અને ભાજપ લીગલ ઈન્ચાર્જ કેતન દાણી દ્વારા જણાવાયું છે. મીડિયા ઈન્ચાર્જ સાગર મોદી અને લોકસભા મીડિયા પ્રભારી વિજય થાનકીની એક અખબારી યાદીમાં પણ ભાજપનું સ્પષ્ટ વલણ જણાવાયું છે.