દમણઃ સંઘપ્રદેશ દમણ-દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે 15મી માર્ચથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા. દર વખતની જેમ આ વખતે પણ લાલુ પટેલે શ્રી રામ મંદિર, મીતનાવાડ, આંબાવાડી, પટલારા-મોટી દમણથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. ડોર ટુ ડોર શરુ કરવામાં આવેલા ચૂંટણી પ્રચારમાં લાલુ પટેલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા . કાર્યકરો ઉપરાંત ચૂંટણી પ્રચારમાં પ્રદેશના પદાધિકારીઓ, દમણ જીલ્લાના હોદેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિ ગણ, મોરચાના અને મંડળના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા.
ચૂંટણી પ્રચાર અંગે લાલુ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીએ મને ચોથી વખત લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. આ અગાઉ 2009, 2014 અને 2019માં પટલારા સ્થિત રામજી મંદિરે દર્શન કરીને મેં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. આ સિલસિલો મેં આ વખતે પણ યથાવત રાખ્યો.
ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારઃ લાલુ પટેલે આ ચૂંટણી પ્રચાર દરમિયાન પગપાળા જ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો. જેમાં તેમની સાથે દમણ ભાજપના પદાધિકારીઓ, મંડળ અને બૂથના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમને ચોથી વાર મળેલી આ ટિકિટ તેમના કાર્યકર્તાઓ અને મતદારોના આશીર્વાદથી મળી છે. આ ટિકિટ તેઓની છે એટલે મતદારોના ઘરે ઘરે જઈ તેમના આશીર્વાદ લઈ રહ્યા છે.
સરપંચ હતા ત્યારથી સંબંધો કેળવ્યાઃ લાલુ પટેલના આ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોએ પણ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યુ. ઘરે-ઘરે મતદારોએ ફૂલહાર પહેરાવ્યા તેમજ અભિવાદન પણ કર્યુ. લાલુ પટેલે જણાવ્યું કે, હું આ વિસ્તારનો સરપંચ હતો ત્યારથી ગામના દરેક વ્યક્તિ સાથે સારા સંબંધો કેળવ્યા છે. જરૂરિયાત મંદને હંમેશા મદદરૂપ થયો છું. દરેક સમાજના સારા-નરસા પ્રસંગમાં હાજરી આપી છે.
કૉંગ્રેસ ઉમેદવારના ભાઈ લાલુ પટેલના પ્રચારમાંઃ આ લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી પૂર્વ સ્વર્ગીય સાંસદ ડાહ્યા પટેલના પુત્ર કેતન પટેલને ટિકિટ આપવામાં આવી છે. કેતન પટેલના ભાઈ જીગ્નેશ પટેલ દમણ ભાજપમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. તેથી તેઓ લાલુ પટેલના ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. પોતાના ભાઈ કેતન પટેલની સામે તેઓ ભાજપમાં હોય ભાઈની સામેના ઉમેદવાર એવા લાલુ પટેલ માટે ચૂંટણી પ્રચાર કરતાં જોવા મળ્યા હતા.