દમણ: લોકસભા ચૂંટણી 2024માં દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવારો માટે ગૃહપ્રધાન અમિત શાહે દમણ ખાતે ચૂંટણી પ્રચાર માટે કર્યો હતો. દમણમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પ્રચાર સભામાં અમિત શાહે દમણ-દીવ બેઠકના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને દાદરા નગર હવેલી બેઠકના ઉમેદવાર કલાબેન ડેલકરને વિજયી બનાવવા અપીલ કરી હતી.
કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વાકપ્રહારઃ અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વાકપ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી રાયબરેલીથી પણ આ ચૂંટણી હારવાના છે. તેમણે કહ્યું કે, દમણ-દીવનો વિકાસ કોંગ્રેસ શાસનમાં નહિ પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં થયો છે. ભાજપે ચન્દ્રયાનનું સફળ લેન્ડિંગ કર્યુ છે પરંતુ સોનિયાજી રાહુલ નામનું યાન 20 વર્ષથી લેન્ડિંગ કરવા મથી રહ્યા છે. જેનું હજૂ પણ સફળ લેન્ડિંગ થયું નથી. આ વખતે આ યાન ક્રેશ થશે. અમિત શાહે કોંગ્રેસ-ઈન્ડિયા ગઠબંધનના જીત્યા બાદ વડાપ્રધાન કોણ બનશે તે મામલે આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ જીતશે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ બન્ને બેઠક પર ભાજપના ઉમેદવારોને જીત અપાવજો.
મોદી અને રાહુલની સરખામણીઃ અમિત શાહે પોતાના ભાષણમાં હાજર જનતાને ચૂંટણીમાં 2 વિકલ્પ હોવાનું કહી રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની સરખામણી કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં મતદારો પાસે બે વિકલ્પ છે. જેમાં એક ચાંદીની ચમચી લઈને જન્મેલ રાહુલ ગાંધી છે. બીજો વિકલ્પ ગરીબ ચા વાળાને ઘરે જન્મેલ નરેન્દ્ર મોદી છે. એક દિવાળીમાં પણ રજા રાખવાને બદલે સેનાના જવાનો સાથે દિવાળી ઉજવે છે. બીજી તરફ ગરમીમાં થાઈલેન્ડ જઈ રજા માણે છે. એક તરફ કરોડો-અબજોના ગોટાળા કરનાર કોંગ્રેસ અને INDIA ગઠબંધન છે. બીજી તરફ 25 પૈસાનો પણ જેના પર આરોપ નથી એ નરેન્દ્ર મોદી છે.
બંને ઉમેદવારોને જીતાડવા કરી અપીલઃ લોકસભા ચૂંટણી 2024માં ભાજપે દમણ-દીવમાં 3 ટર્મના સાંસદ લાલુભાઈ પટેલને 4થી વાર મેદાને ઉતાર્યા છે. દાદરા નગર હવેલીમાં ભાજપે કલાબેન ડેલકરને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. કલાબેન ડેલકર શિવસેના પાર્ટીના સીટીંગ સાંસદ છે. જેઓ શિવસેના છોડી ભાજપમાં આવ્યા છે. જેઓના ચૂંટણી પ્રચાર માટે આવેલા અમિત શાહે દમણના કોલેજ ગ્રાઉન્ડ પર પોતાનું સંબોધન કરતા પહેલા જય શ્રી રામના નારા લગાવી અહીંના પ્રતિષ્ઠિત મંદિરોમાં બિરાજમાન ભોળાનાથ, જલારામ બાપાને યાદ કર્યા હતાં.