સુરત: લોકસભા ચૂંટણી યોજાય તે અગાઉ જ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજયી થયા છે. ત્યારથી જ નિલેશ કુંભાણીના વિરોધની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. માત્ર કોંગ્રેસ જ નહિ પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિલેશ કુંભાણીની સાથે કોર્પોરેટર રહી ચૂકેલા અને પૂર્વ કોંગ્રેસના નેતા દિનેશ કાછડીયા જે હાલ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તેઓ સતત નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે.
25 ફૂટ લાંબુ બેનરઃ આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયાએ પાટીદાર વિસ્તાર એવા હીરાબાગ સર્કલના બ્રિજ પર 25 ફૂટનું બેનર લગાવ્યું છે. જેમાં નિલેશ કુંભાણીને રાક્ષસ તરીકે દર્શાવી વોન્ટેડ લખવામાં આવ્યું છે. દિનેશ કાછડીયાએ એક દિવસ પહેલા વરાછા પોલીસ મથકમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી.
નિલેશ ખોટો નથી તો કેમ ભાગી ગયો?: આ સમગ્ર મામલે દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, નિલેશ કુંભાણીએ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. મતનો અધિકાર છીનવી લેવાયો છે. ઈન્ડિયા ગઠબંધને નિલેશને તક આપી. તેનું ફોર્મ રદ થયું નથી કરાવવામાં આવ્યું છે. આ ષડયંત્ર છે. જો નિલેશ ખોટો નથી તો શા માટે ભાગી ગયો છે? હું ચેલેન્જ આપું છું કે તે સુરત આવીને બતાવે. લોકોનો રોષ નિલેશ વિરુદ્ધ કેટલો છે તે આપોઆપ ખબર પડી જશે.