પાટણ: 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ મધ્યસ્થ કાર્યાલયો ખુલ્લા મુકવાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન ગુજરાતથી કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુલી 26 બેઠકો પર મધ્યસ્થ કાર્યાલાયનો શુભારંભ કરી 26 એ 26 બેઠકો જંગી બહુમતોથી જીતવાનો આસવાદ વ્યક્ત કર્યો હતો. હારીજ ત્રણ રસ્તા પર આવેલ ગોપી આર્કેડ કોમ્પલેક્ષમાં 3 પાટણ લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યાલય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત રીતે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ પ્રધાન બલવંસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. ઉમેદવાર નક્કી થયા પહેલા જ સમગ્ર રાજ્યમાં મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરવાનું કામ ભાજપ જ કરી શકે છે. સરકારે લોકોને આપેલા તમામ વચનો પૂર્ણ કર્યા છે માટે પાટણ લોકસભા બેઠક 5 લાખ મતોથી જીતવાનો અસાવાદ વ્યક્ત કર્યો હતો.
પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના મતદારોએ મને સાંસદ બનાવ્યો છે ત્યારે જાહેર જીવનના મૂલ્યો સાચવી મારા હોદ્દાની ગરિમા જાળવી પાર્ટીને લાંછન લાગે તેવુ કોઈ કાર્ય કર્યું નથી. ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપશે તો હું ચોક્કસ લડીશ. ટિકિટ નહીં મળે તો ઉમેદવાર જે કોઈ આવેશે તેને જંગી મતીથી જીતાડવા આગળ રહીશ.
મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના લોકાર્પણ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પાટણ લોકસભા બેઠકના ઇન્ચાર્જ અશોક જોષી, પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકોર, મહિલા આયોગના પૂર્વ સદસ્ય રાજુલબેન દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી સહિત ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.