રાજકોટ: ધોરાજી શહેરમાં આવેલી સેવા સદન કચેરી ખાતે મતદાન જાગૃતતા અંતર્ગતના કાર્યક્રમની અંદર ICDS વિભાગની મહિલાઓ દ્વારા મતદાન જાગૃતતા માટેની વિશાળ રંગોલી સેવા સદન કચેરીના પટાંગણમાં સુંદર રીતે બનાવવામાં આવી છે. જેમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સૂત્રો અને સ્લોગન સાથે આગામી મતદાન માટે લોકો જાગૃત થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃત કરવા માટે સુંદર અને વિશાળ રંગોળી બનાવવામાં આવી છે ત્યારે આ રંગોળી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની છે.
ચાલીસ બહેનો દ્વારા રંગોળી તૈયાર કરાઇ: આ અંગે માહિતી આપતા ધોરાજી ICDS વિભાગની કચેરીના મુખ્ય સેવિકા રૂકશાના મેતર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરાજી ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે ધોરાજી વહીવટી તંત્ર દ્વારા સેવા સદન કચેરીના પટાંગણમાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત રંગોળી કાર્યક્રમનું આયોજન કરવાં આવેલ હતું. આ રંગોળી બનાવવા માટે ચાલીસ બહેનો દ્વારા ચાર કલાકની મહેનત કરીને ખૂબ લગન સાથે સુંદર રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળીમાં મતદારો વધુને વધુ મતદાન કરે અને જાગૃત બને તે માટે વિવિધ સૂત્રો અને સ્લોગનો સાથે આ રંગોળી બનાવી છે.
મતદાન જાગૃતિ માટે રંગોળી કરાઇ તૈયાર : વર્તમાન સમયની અંદર સમગ્ર દેશમાં ચૂંટણીઓ માટેની વિવિધ રીતે કામગીરીઓ ચાલી રહી છે જેમાં લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે અને ખાસ કરીને મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વધુને વધુ મતદાન કરવા અને મતદાન કરવા માટેની જાગૃતતા ફેલાવવા માટે સરકાર તેમજ તંત્ર અને લોકો દ્વારા મતદારોને જાગૃત કરવા માટેના વિવિધ અને વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે આગામી 07 મે 2024ના રોજ ગુજરાતમાં પણ ચૂંટણી માટેનું મતદાન થવાનું છે ત્યારે મતદારોને જાગૃત કરવા માટે રાજકોટ જિલ્લાના ધોરાજી વહીવટી તંત્ર દ્વારા રંગોળીનું આયોજન કરી મતદારોને વિવિધ સૂત્રોને સ્લોગન સાથે જાગૃત કરવા માટેની વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે.