સાબરકાંઠા: બનાસકાંઠાના ડિસામાં સભા સંબોધ્યા બાદ પીએ મોદી સાબરકાઠા જિલ્લાના આમોદરા ગામ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે એક જંગી જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમની સભામાં બંધારણ, કલમ 370, સીએએ, ત્રિપલ તલ્લાક, દેશનું વિભાજન જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષના નેતાઓ દ્વારા બંધારણને લઈને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે તેમની સરકારે ખરા અર્થમાં લોકોને બંધારણના અધિકાર અપાવ્યા છે,
વિપક્ષ પર વરસ્યા પીએમ મોદી: પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તા માટે હવાતિયા મારી રહ્યું છે. 60 વર્ષથી જે સરકાર દેશમાં સત્તાના સ્થાને રહી પરંતુ આજે તેઓના નેતૃત્વ સામે સવાલો ઉઠી રહ્યાં છે. પીએમ મોદીએ ફરી એક વાર રાહુલ ગાંધી પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસની મોહબ્બતની દુકાન ફેક સામાન મળી રહ્યો છે. ખોટા વીડિયો બનાવીને ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ એ પણ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધનની રણનીતિ દેશમાં અરાજકતા ફેલાવાની છે. ઈવીએમ વિરૂધ્ધ દેશના લોકોને ભડકાવવાનું કામ કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધન કરી રહી છે.
મહત્વપૂર્ણ છે કે, સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા, મહેસાણા લોકસભા બેઠક પરથી હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી.જે.ચાવડાના વિજય માટે ચૂંટણી સભાને સંબોધી હતી.