હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ ચાર તબક્કાઓ પૂરા થયા બાદ આજે દેશના 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 49 બેઠક પર પાંચમા તબક્કાની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં જે દિગ્ગજ ઉમેદવારો પર નજર રહેશે તેમાં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠકથી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના કેએલ શર્મા, રાયબરેલીથી રાહુલ ગાંધી અને દિનેશ પ્રતાપ સિંહ, લખનૌથી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સારણથી લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણીનો સમાવેશ થાય છે. બિહારમાં આચાર્ય, કલ્યાણથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદે, મુંબઈ ઉત્તરથી કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, તેમજ વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમ અને મુંબઈ ઉત્તર-મધ્યથી મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ વર્ષા ગાયકવાડ સામેલ છે.
20મેના રોજ પાંચમાં તબક્કાનું મતદાન: હાલમાં દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે 20 મેના રોજ 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીના આ પાંચમા તબક્કામાં બિહારની 5 બેઠકો, જમ્મુ-કાશ્મીરની 1 બેઠક, ઝારખંડની 3 બેઠકો, લદ્દાખની 1 બેઠક, મહારાષ્ટ્રની 13 બેઠકો, ઓડિશાની 5 બેઠકો, ઉત્તર પ્રદેશની 14 બેઠકો અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પાંચમા તબક્કામાં 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે યોજાનારી તમામ 49 લોકસભા બેઠકોમાંથી, ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલી, લખનૌ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ ઉત્તર અને મહારાષ્ટ્રમાં કલ્યાણ અને બિહારમાં સારણ બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી રહેશે. પાંચમા તબક્કા બાદ છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થશે. જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.
![પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર 695 ઉમેદવારો મેદાનમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-05-2024/21488906_.jpg)
5માં તબક્કામાં ટોચની બેઠકો પર નજર: પાંચમા તબક્કામાં ઉત્તર પ્રદેશમાં 14 લોકસભા સીટો માટે ચૂંટણી યોજાનાર છે. લોકસભા ચૂંટણીમાં સીટોની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે. અહીંની 80 લોકસભા બેઠકો પરથી નક્કી થાય છે કે કેન્દ્રની ગાદી પર કોણ બિરાજશે. અમેઠી અને રાયબરેલી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન હોટ સીટોમાંથી એક છે. શરૂઆત કરીએ અમેઠીથી...
![સ્મૃતિ ઈરાની અને કે.એલ.શર્મા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-05-2024/21488906_a.jpg)
અમેઠી: અમેઠી સીટ પર ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને પડકારવા માટે કોંગ્રેસે કેએલ શર્મા (કિશોરી લાલ શર્મા)ને તેમની સામે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. કેએલ શર્મા ગાંધી પરિવારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તો બસપાએ નન્હે સિંહ ચૌહાણને અમેઠી લોકસભા સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2019 માં, ઈરાનીએ અમેઠી મતવિસ્તારમાં રાહુલ ગાંધીને 55,000 થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. આ વખતે સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના કેએલ શર્મા વચ્ચે જોરદાર ટક્કર થશે તેવું માનવામાં આવે છે.
![રાહુલ ગાંધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-05-2024/21488906_c.jpg)
રાયબરેલી: ગાંધી પરિવારના આ ગઢમાંથી રાહુલ ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલી ઉપરાંત રાહુલ કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે. આ વખતે રાહુલ ગાંધીનો મુકાબલો ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સાથે થઈ રહ્યો છે. 2019માં સોનિયા ગાંધીએ દિનેશ પ્રતાપ સિંહને 1.67 લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા.
![રવિદાસ મેહરોત્રા અને રાજનાથ સિંહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-05-2024/21488906_e.jpg)
લખનૌ બેઠક પર ભાજપ અને સપા વચ્ચે ટક્કર: લોકસભા ચૂંટણીમાં લખનૌ સીટને VVIP સીટ ગણવામાં આવે છે. કેન્દ્રીય રક્ષા મંત્રી અને સાંસદ રાજનાથ સિંહ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન રવિદાસ મેહરોત્રા સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. લખનૌમાં આ વખતે સપા અને ભાજપ વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. લખનૌ ભાજપનો ગઢ માનવામાં આવે છે. સપાના ઉમેદવાર રવિદાસ મેહરોત્રાએ વર્ષ 2022માં લખનૌ સેન્ટ્રલ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. હવે 2024માં લોકસભાની ટિકિટ મળ્યા બાદ રવિદાસ મેહરોત્રા લખનૌ લોકસભા સીટ પર ભાજપના રાજનાથ સિંહ સાથે ટક્કર આપવા તૈયાર છે. લખનૌ લોકસભા સીટ માટે ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ દેશના સંરક્ષણ મંત્રી છે. સિંહના રાજકીય કદ પર નજર કરીએ તો લખનૌ સહિત સમગ્ર દેશમાં તેમના સમર્થકોની સંખ્યા ઘણી વધારે છે. આવી સ્થિતિમાં, આ વખતે સપા અને ભાજપ વચ્ચેનો મુકાબલો ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહ્યો છે.
![રોહિણી આચાર્ય અને રાજીવ પ્રતાપ રૂડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-05-2024/21488906_f.jpg)
સારણ: બિહાર તરફ જઈએ તો અહીં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ બેઠક પરથી ચૂંટણીના રાજકીય અખાડામાં ઉતર્યા છે. તેમનો સામનો વર્તમાન સાંસદ રાજીવ પ્રતાપ રૂડી સામે થી રહ્યો છે, રૂડી ત્રીજી ટર્મ માટે પ્રયાસ કરી રહ્યાં છે. 2019 માં, રૂડી આ બેઠક પરથી 1.38 લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા.
![પિયુષ ગોયલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-05-2024/21488906_b.jpg)
મુંબઈ ઉત્તર: મહારાષ્ટ્રની લોકસભા બેઠકો કેન્દ્રમાં સત્તા કબજે કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ભાજપના આ ગઢમાંથી ચૂંટણીના રાજકારણની દુનિયામાં પ્રવેશ કરશે. આ મતવિસ્તારમાં ગોયલનો મુકાબલો અભિનેતામાંથી રાજકારણી બનેલા ભૂષણ પાટીલ સાથે થશે. 2019ની સામાન્ય ચૂંટણીઓમાં, BJPના ગોપાલ સી. શેટ્ટીએ બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને 4.65 લાખથી વધુ મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા.
![વર્ષા ગાયકવાડ અને ઉજ્જવલ નિકમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-05-2024/21488906_h.jpg)
મુંબઈ ઉત્તર-મધ્ય: મુંબઈ હુમલાના આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવનાર જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે મુંબઈ ઉત્તર મધ્યથી મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે નિકમ મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી રહ્યા છે. નિકમને મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વર્ષા ગાયકવાડના જોરદાર પડકારોનો સામનો કરવો પડશે. 2019 માં, ભાજપની પૂનમ મહાજને કોંગ્રેસની પ્રિયા દત્તને 1.30 લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. જો કે આ વખતે ભાજપે અહીંથી પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરી છે.
![ડૉ. શ્રીકાંત શિંદે અને CM એકનાથ શિંદે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-05-2024/21488906_d.jpg)
કલ્યાણ: આ સીટ પર શિવસેના વર્સિસ શિવસેના વચ્ચે જંગ જોવા મળશે કારણ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ તેમના પુત્ર ડૉ શ્રીકાંત શિંદેને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ભૂતપૂર્વ સભ્ય વૈશાલી દરેકર-રાણે સામે મેદાનમાં ઉતાર્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં, ડૉ. શ્રીકાંત શિંદે આ બેઠક પરથી 3.44 લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા.