સુરેન્દ્રનગર: લોકસભાની બેઠક પર આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની જંગ જોવા મળશે.સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપે ચુવાળીયા કોળી સમાજના ચંદુ સિહોરાને ટિકિટ આપી છે.ત્યારે કોંગ્રેસે ઋતિક મકવાણાને ટિકિટ આપી છે.આ બંન્ને માંથી કોણ જીતશે એ 4 જૂનના રોજ ખબર પડશે.
ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરા: સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપે ચુવાળીયા કોળી સમાજના ચંદુ સિહોરાને ટિકિટ આપી છે. તેઓનો જન્મ 1 જૂન 1962માં હળવદ તાલુકાના કેદારીયા ગામે થયો હતો તેઓએ BE (સિવિલ) સુધી અભ્યાસ કરેલ છે. તેઓએ જિલ્લા પંચાયત મોરબી ખાતે પ્રમુખની જવાબદારી પણ સંભાળી છે અને પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ મોરબી, કોષાધ્યક્ષ જિલ્લા ભાજપ મોરબી, વાંકાનેરના ગ્રામ્ય મંડળના પ્રભારી અને પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત હળવદ, પૂર્વ પ્રમુખ કેદારીયા દૂધ ઉત્પાદન સહકારી મંડળી સહિતની જવાબદારીઓ સંભાળી છે.
કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા: કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. તેેઓનો જન્મ સાયલા તાલુકાના ધજાળા ગામે 15 એપ્રિલ 1975ના રોજ થયો હતો અને તેઓએ અભ્યાસમાં B.RS. (ENGLISH) ઉપરાંત D.B.Ed સુધીનો અભ્યાસ કરેલ છે. વ્યવસાયમાં તેઓ ઉત્તર બુનિયાદી સાપર ગામે શિક્ષક છે. તેઓને ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણ ભાષા ઉપર તેઓનું પ્રભુત્વ છે.
ઋત્વિક મકવાણાનું રાજકીય જોડાણ: જો રાજકીય રીતે જોવા જઈએ તો તેઓ પૂર્વ કેબિનેટ મંત્રી કરમશી મકવાણા અને પૂર્વ સાંસદ સવશી મકવાણાના પરિવારમાંથી આવે છે અને તેઓ 2017થી 2023 સુધી ધારાસભ્ય તરીકે ચોટીલા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. 2023માં તેઓની ચોટીલા વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. તેઓ ગુજરાતના અધ્યક્ષ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
સુરેન્દ્રનગર બેઠકમાં 7 વિધાનસભાનો સમાવેશ: સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં વઢવાણ, ધાંગધ્રા, પાટડી, ચોટીલા, લીંબડી, ધંધુકા અને વિરમગામ વિધાનસભાનો સમાવેશ થાય છે. જ્યારે આ તમામ વિધાનસભાની બેઠકો ભાજપ હસ્તક છે. આ લોકસભાની બેઠકમાં અમદાવાદ ગ્રામ્યની બે વિધાનસભા વિરમગામ અને ધંધુકા, સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા અને હળવદ વિધાનસભામાં સમાવેશ થાય છે. હળવદ તાલુકો મોરબી જિલ્લામાં આવે છે. આમાંની ત્રણ જિલ્લાના વિસ્તાર સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠક જોડાયેલી છે.
આ બેઠક પર 3 વાર ભાજપ અને 2 વાર કોંગ્રેસ આવી: જ્યારે આ બેઠક પર 1999થી યોજાયેલ છેલ્લી પાંચ ચૂંટણીમાં 3 વાર બીજેપીના ઉમેદવારનો વિજય થયો છે અને 2 વાર કોંગ્રેસના ઉમેદવાર વિજય થયો હતો.
છેલ્લી પાંચ ચૂંટણીનું પરિણામ
- 1999માં સૌશીભાઈ મકવાણા (કોંગ્રેસ)
- 2004માં સોમાભાઈ પટેલ (બીજેપી)
- 2009માં સોમાભાઈ પટેલ (કોંગ્રેસ)
- 2014માં દેવજીભાઈ ફતેપરા (બીજેપી)
- 2019માં ડોક્ટર મહેન્દ્ર મુજપરા (બીજેપી)
આ બેઠકનું જાતીય ગણિત જોવામાં આવે તો આ બેઠક પર કોળી સમાજનું વધુ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. પરંતુ આ વખતે કોળી સમાજના મતમાં વિભાજન થઈ શકે તેવી શક્યતાઓ છે. કારણ કે, બીજેપીમાંથી ચુવાળીયા કોળીના ચંદુ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે અને કોંગ્રેસે ચોટીલાના તળપદા કોળીમાંથી આવતા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર કુલ 20,26,252 મતદારો છે જેમાં પુરુષો 10,53,807 અને મહિલાઓ 9,72,413 મતદારો છે.