વલસાડ: ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે.7 મેના રોજ યોજાનારા લોકસભા ઇલેક્શનમાં પોતાની ડ્યુટી પર હાજર રહેનારા તમામ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો અને GRDના જવાનો સહિતના સરકારી કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું, જેમાં વલસાડ જિલ્લાના DSPએ પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપ્યો હતો.
પોસ્ટલ મતદાન કરવાની વ્યવસ્થા: ચૂંટણીમાં ફરજ ઉપર હાજર રહેનારા તમામ કર્મચારીઓ માટે આજે વલસાડના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોસ્ટલ મતદાન માટેની વિશેષ વ્યવસ્થાનો બુથ ઊભો કરવામાં આવ્યો હતો. જેની મુલાકાત વલસાડ જિલ્લા કલેકટરે પણ કરી હતી સાથે જ વલસાડ જિલ્લાના 1122 થી વધુ કર્મચારીઓએ પોતાનું મતદાન પોસ્ટલ બેલેટ મારફતે કર્યું હતું. આજે સવારથી જ મતદાન કરવા માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે અનેક સરકારી કર્મચારીઓ જોવા મળ્યા હતા.
ઇલેક્શન કમિશને વધારે સમય મતદાન માટે આપ્યો: પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે પોસ્ટલ બેલેટ મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તેમણે જણાવ્યું કે, ઉનાળાની ગરમીને લઈને ઇલેક્શન કમિશન દ્વારા સવારે એક કલાક વધારે અને સાંજે એક કલાક એમ બે કલાકનો વધારાનો સમય મતદારો માટે વધારવામાં આવ્યો છે, એટલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય રહેશે. જેથી લોકો ગરમીમાં નહીં પરંતુ ઠંડા પહોરે મતદાન કરી શકે જેનો મતદારોએ લાભ લેવા માટે જણાવ્યું હતું.
ચૂંટણી કાર્ડ વગર મતદાન કરી શકાશે: વલસાડ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી આયુષ ઓકના જણાવ્યા અનુસાર, ચૂંટણી કમિશને પોતાની ગાઈડલાઈનમાં એવું જણાવ્યું છે કે, જેમની પાસે ચૂંટણી કાર્ડ ન પણ હોય તો પણ તેઓ મતદાન કરી શકે છે. પરંતુ તે માટે તેમણે 12 જેટલા વિવિધ પુરાવા રજૂ કરવાના રહેશે. આ 12માંથી કોઈ પણ એક પુરાવો તેમની પાસે હોય તો તેઓ આસાનીથી મતદાન કરી શકશે. સાથે જ તે પૂર્વે મતદાર યાદીમાં તેમનું નામ છે કે નહીં તે પણ ચકાસી લેવાનું રહેશે.
મતદારો મતદાન કરવા અનુરોધ: 7મી મેના રોજ લોકશાહીનો પર્વ છે. લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લા કલેકટરે કહ્યું કે, લોકશાહી પર્વમાં મતદાન ખૂબ જરૂરી છે અને દરેક મતદારો પોતાનો મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરે અને ભારતની લોકશાહીને મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપે તે માટે તમામ મતદાતાઓને અપીલ છે કે, વધુમાં વધુ મતદાન કરવામાં આવે.આમ ચૂંટણી પર્વ દરમિયાન ફરજ બજાવનારા સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું જેમાં અનેક સરકારી કર્મચારીએ મતદાન કર્યું હતું.