પોરબંદર: ગત રાત્રી થી અત્યાર સુધીમાં ભારે વરસાદ પડવાના કારણે પોરબંદર શહેર અને આસપાસના ગામડાઓના હાલ બેહાલ થઈ ગયાં છે. અત્યાર સુધીમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં શહેરમાં જળ હોનારત જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જિલ્લાના રાણાવાવ તાલુકામાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને કુતિયાણા તાલુકામાં છ ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
પોરબંદર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં પણ પાણી પાણી થઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલમાં કોઈ કામગીરી ન કરવામાં આવતા મોટાભાગના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાતા પરેશાની ભોગવી રહ્યાં છે, પરિણામે લોકોમાં તંત્ર પ્રત્યે રોષ પણ ફેલાયો છે.

રેલવે ટ્રેક ધોવાયો: પોરબંદરથી ઉપડતી ટ્રેનો ઉપર પણ વરસાદની અસર પડી છે, ત્યારે પોરબંદર થી દ્વારકા જતા આદિતપરા પાસે આવેલ ઓવરબ્રિજ નીચે ભારે વરસાદના કારણે રેલ્વે ટ્રેકનું ધોવાણ થયું છે જેના કારણે પોરબંદર થી ઉપડતી ટ્રેનોને પણ અસર થઈ છે.


રેલવે ટ્રેક ધોવાતા પોરંબદરથી ઉપડતી અને આવતી ટ્રેનોને અસર
વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે, જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર | ટ્રેન | સ્થિતિ |
12949 | પોરબંદર-સંતરાગાચી સુપરફાસ્ટ | 19.07.2024ના રોજ સવારે 9.10 વાગ્યાના નિર્ધારિત સમયને બદલે 6 કલાક મોડી એટલે કે 03.10 કલાકે દોડશે. |
19119 | ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ | 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે. |
શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ/આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
ટ્રેન નંબર | ક્યાંથી ક્યાં સુધી | સ્થિતિ |
19571 | રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન | 19.07.2024 ના રોજ જેતલસર સ્ટેશન પર ટૂંકાવાઈ, આમ જેતલસર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ. |
19572 | રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન | 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી દોડશે. આમ પોરબંદર-જેતલસર વચ્ચે આંશિક રીતે રદ |
20938 | દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ | 19.07.2024 ના રોજ ભાણવડ સ્ટેશન પર ટૂંકાવાઈ |
આજે 19 જૂલાઈએ સંપૂર્ણપણે રદ થયેલી ટ્રેન
ટ્રેન નંબર | કઈ કઈ ટ્રેન રદ્ | સ્ટેટ્સ |
09550/09549 | પોરબંદર-ભાણવડ-પોરબંદર | સંપૂર્ણપણે રદ |
09565/09568 | પોરબંદર-ભાવનગર-પોરબંદર | સંપૂર્ણપણે રદ |
09516/09515 | પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન | સંપૂર્ણપણે રદ |
પોરબંદરમાં ગઈકાલથી જ વરસતા વરસાદે શહેર વરસાવી હોય તેમ વર્તાઈ રહ્યું છે પોરબંદરમાં ગઈકાલે સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આખી રાત વરસાદ વરસ્યો હતો અને વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ પોરબંદર શહેરના સુદામા ચોક સહિત જીઆઇડીસી રાજીવ નગર અને કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી પાણી કરી દીધું છે ત્યારે છાયા ના નીચેના રોડ પર પણ અનેક રસ્તાઓ પર અને લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે લોકોએ આખી રાત પાણીમાં વિતાવી પડી હતી.
પોરબંદરના આસપાસના ગામડાઓમાં હોનારત જેવી સ્થિતિ
પોરબંદરના ફટાણા, બોરીચા અને બગવદર તથા કિંદરખેડા સહિતના ગામડાઓમાં ચારેકોર પાણી ભરાતા અનેક લોકો ફસાયા હતા, પોરબંદરના ભારવાળા ગામે સાત લોકો તથા કિંદરખેડા ગામે બે લોકો અને બગવદર ગામેે પાણીમાં ફસાયેલા બે લોકોને સહિત કુલ 11 લોકોનું ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું હતું.
15 થી વધુ વૃક્ષ ધરાશાહી
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલથી અત્યાર સુધીમાં 15 થી વધુ જેટલા વૃક્ષો ધરાશાહી થયા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે જઈને વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું હતું જો કે યુગાન્ડા રોડ પર એક મહાકાય વૃક્ષ બે કાર પર પડતા કારને નુકસાની પહોંચી હતી આ ઉપરાંત મુખ્ય રસ્તા ઉપર પણ અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે.