રાજકોટ: ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી છે, જેમાં ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામના શ્રી ખોડીયાર માતાજીના મંદિરના પટાંગણમાં રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે આ બાબતે હરિયાસણ ગામ તેમજ આસપાસના પંથકના ખેડૂતો અને લોકોમાં ભારે ભય ફેલાયો હોવાનું સામે આવ્યું છે.
દીપડાની દહેશતથી લોકોમાં ભય: આ અંગે હરિયાસણ ગામના સરપંચ બળવંતસિંહ વાળાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું છે કે, હરિયાસણ ગામથી થોડે દૂર ડુંગર વિસ્તારમાં શ્રી ખોડીયાર માતાજીના મંદિરનો ધુણો આવેલો છે જ્યાં દીપડો દેખાયો હોવાની વાત સામે આવી છે જેને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તેમને આ સાથે વધુમાં એવું પણ જણાવ્યું છે કે, અંદાજિત આઠ કે દસ દિવસ પહેલા પણ એક માલધારીના બકરાનો શિકાર કરવામાં આવ્યો હોવાની પણ માહિતીઓ આપી છે.
વન વિભાગનું વલણ: ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે દેખાયેલ દીપડા અંગે ઉપલેટા ફોરેસ્ટ ઓફિસર બ્રિજેશ બારૈયાનો સંપર્ક કરતા આ બાબતે તેઓ સંપૂર્ણ અજાણ હોય તેમજ આવી કોઈ ઘટના બની જ ન હોય તેવું જણાવ્યું છે અને સાથે એવું પણ જણાવ્યું છે કે આવી કોઈ બાબત આવશે તો જાણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
દીપડાને પકડવામાં વન વિભાગનું ઉદાસીન વલણ: ઉપલેટા તાલુકા વિસ્તારના ઘણા ગ્રામ્ય વિસ્તારોની અંદર તેમજ ખેતીની જમીન વિસ્તારોમાં દીપડા દેખાયા હોઈ તેવા દૃશ્યો અગાઉ પણ કેમેરામાં કેદ થયા છે, ત્યારે આ બાબતે છેલ્લા ઘણા સમયથી દીપડાના આતંક તેમજ ફોરેસ્ટ વિભાગની ઢીલી અને નબળી કામગીરીના કારણે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલ ઉપલેટાના ફોરેસ્ટ ઓફિસર બ્રિજેશ બારૈયા ફરી વખત આવી ઘટનાથી અજાણ છે કે પછી આવી ઘટનાઓને ધ્યાને નથી તેવી પણ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.
દીપડાને પાંજરે પુરવાની પ્રબળ માંગ: આ પંથકના લોકોના જણાવ્યા પ્રમાણે અહીંયાના ફોરેસ્ટ અધિકારી પોતાની સંપૂર્ણ જવાબદારી ન નિભાવતા હોય તેને કારણે અનેક લોકોના પશુઓનો ભોગ લેવાય રહ્યો હોવાનું પણ ઉપલેટા તાલુકા વિસ્તારની અંદર ઘટનાઓ બની ચુકી છે ત્યારે હાલ ઉપલેટાના હરિયાસણ ગામના આ બનાવથી ફોરેસ્ટ ઓફિસર અજાણ હોવાની બાબતને લોકો રોષ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે અને યોગ્ય જવાબદારી નિભાવવા અને લોકોને ભયમુક્ત કરવામાં આવે તેમજ દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.