રાજકોટઃ ઉપલેટાના મુરાણી પરિવારની દીકરી યશ્વી મુરાણીનો 29 ફેબ્રુઆરીના રોજ જન્મ થયો હતો. તેણીનો જન્મ દિવસ દર ચાર વર્ષે એક વખત આવે છે. તેણીનો પરિવાર અને સગા સંબંધીઓ દર 4 વર્ષે 1 વાર આવતા જન્મ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.
16 વર્ષની યશ્વીનો 4થો જન્મ દિવસઃ યશ્વીના જન્મ દિવસની ઉજવણી વર્ષ 2024માં આવેલી 29મી ફેબ્રુઆરીના રોજ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. યશ્વી 16 વર્ષની થઈ છે જો કે આ વખતે 29મી ફેબ્રુઆરી 2024ના રોજ તેણીએ પોતાનો 4થો જન્મ દિવસની ઉજવ્યો હતો. યશ્વીના પરિવારે 4, 8, 12 એમ ક્રમશઃ વર્ષે અગાઉના 3 જન્મ દિવસ ઉજવ્યા હતા. હવે તેણીનો પરિવાર આવતો જન્મ દિવસ યશ્વી જ્યારે વીસ વર્ષની થશે ત્યારે ઉજવશે.
અમે દર 4 વર્ષે 29મી ફેબ્રુઆરી આવે ત્યારે યશ્વીનો બર્થ ડે ધામધૂમ પૂર્વક ઉજવીએ છીએ...વિપુલ મુરાણી(યશ્વીના પિતા, ઉપલેટા, રાજકોટ)
યશ્વી ભણવામાં ખૂબ હોંશિયાર છે તેણીને આગળ વધવું છે આ વર્ષે અને તેણીનો 4થો બર્થ ડે સપરિવાર ધામધૂમપૂર્વક ઉજવવાના છીએ...યશ્વીની માતા(ઉપલેટા, રાજકોટ)
હું 16 વર્ષની થઈ છું છતાં આજે મારો 4થો બર્થ ડે ઉજવવાની છું. હું 4 વર્ષ સુધી 29મી ફેબ્રુઆરીની આતૂરતાપૂર્વક રાહ જોઉં છું. હું 11 સાયન્સમાં ભણું છું, મારે ફાર્મા સેક્ટરમાં મારી કારકિર્દી બનાવવી છે...યશ્વી મુરાણી(લીપયર બર્થ ડે ગર્લ, ઉપલેટા, રાજકોટ)
29 ફેબ્રુઆરીના રોજ જન્મે તેને લીપ લિંગ કહેવાય છેઃ લીપયરમાં જન્મ લેનારાઓનો બર્થ ડે દર ચાર વર્ષે આવે છે જેમાં કેટલાક લોકો 28 ફેબ્રુઆરીની તારીખની ઢળતી રાત્રિને જ જન્મ દિવસ માનીને ઉજવે છે તો કેટલાક ચાર વર્ષની રાહ જોતા રહે છે. 29 ફેબુ્આરીએ જન્મદિન આવતો હોય તેવી વ્યકિતને લીપલિંગ કહેવામાં આવે છે. લીપ યર અંગે વિવિધ દેશોની સંસ્કૃતિઓમાં મહત્વ રહ્યું છે. ઓલમ્પિક રમતોત્સવનું આયોજન લીપ યરના આધારે થાય છે. લીપ યરમાં પૃથ્વની સૂર્યની પરિક્રમા કરવામાં લાગતા સમયના લીધે જ એકસ્ટ્રા દિવસ આવે છે. આ એકસ્ટ્રા દિવસ ફેબ્રુઆરી મહિનામાં જોડાવામાં આવે છે.
શું છે લિપ યર?: 1 વર્ષમાં આમ તો 365 દિવસ હોય છે પરંતુ 2024ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો થતા હોવાથી 366 દિવસો થાય છે. ફેબુ્આરી મહિનાના 28 દિવસ હોય છે પરંતુ લીપ યર દર 4 વર્ષે આવતું હોવાથી 1 દિવસ ઉમેરાય છે તેમ આનું કારણ પૃથ્વીની ભ્રમણ કક્ષા સાથે જોડાયેલું છે. પૃથ્વીને સૂર્યનું એક ચક્કર લગાવવામાં 365 દિવસ અને 05 કલાક 48 મીનિટ અને 45 સેકન્ડ લાગે છે. આ 06 કલાક ચાર વર્ષે 24 કલાક થાય છે જેથી કરીને એક દિવસ ઉમેરાય છે.