રાજકોટ: પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનો જંગ હજુ શમ્યો નથી, ત્યાં ભારતીય જનતા પક્ષે એક જુદા જ મોરચે લડત આદરવી પડશે તેવા અણસારો વર્તાઈ રહ્યો છે, કારણ કે "જાગો લેઉવા પટેલો જાગો"નાં શીર્ષક હેઠળ એક પત્રિકા ફરતી થઈ છે, ત્યારે બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક જ રાજકોટ સ્થિત ભારતીય જનતા પક્ષનાં પ્રવકતા રાજુભાઈ ધ્રુવને પોલીસ કમિશ્નરની કચેરીએ બપોરે 4 વાગ્યે પહોંચવાનો સંદેશો વ્હોટ્સએપ પર આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશીની આગેવાનીમાં ભાજપ અગ્રણીઓ દ્વારા પોલીસ કમિશ્નર સમક્ષ આ બાબતે રજુઆત કરવાનું આયોજન આવ્યું. આ રજુઆત કર્યા બાદ શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ સંદેશો જોઈને પત્રકારો પહોંચ્યા પોલીસ કચેરીએ પહોંચ્યા હતા.
પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ: થોડીવાર પછી પોલીસ કમિશ્નરને આવેદનપત્ર અપાઈ ગયા પછી શહેર પ્રમુખ મુકેશ દોશી અને લીગલ સેલનાં કન્વીનર અનિલ દેસાઈએ મીડિયા સમક્ષ વાત કરતા તેમની આ મુલાકાતનો હેતુ સમજાવતા કહ્યું કે" જાગો લેઉવા પટેલ જાગોનાં" શીર્ષકવાળી પત્રિકા વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી વાયરલ થઈ છે અને એ મુદ્દે ભાજપનું રાજકોટ મોવડીમંડળ ફરિયાદરૂપી આવેદન આપવા પોલીસ કમિશ્નર કચેરીએ ગયું હતું. ભાજપનાં રાજકોટ સ્થિત મોવડીમંડળે જણાવ્યા મુજબ, 10 મુખ્ય મુદાઓ વર્ણવતી આ પત્રિકા જ્ઞાતિગત સમીકરણો ઉપરાંત પાટીદાર મતદાતાઓનાં લેઉવા પટેલ અને કડવા પટેલ જ્ઞાતિ વચ્ચે મતભેદો ઉભા કરવા પ્રેરે છે. જેમાં પરશોત્તમ રૂપાલા દ્વારા મીડિયા સમક્ષ એક સમયે લેઉવા પટેલો અને લેઉવા પટેલ નેતા સ્વર્ગીય કેશુભાઈ પટેલ માટે બોલાયેલા શબ્દોનાં આધારે શબ્દશઃ અહેવાલ આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસ પર લગાવ્યો આરોપ: ભાજપનાં મોવડી-મંડળ દ્વારા પોલીસ-કમિશ્નરને ફરિયાદી આવેદન આપ્યાની સાથે જ કોંગ્રેસ પર આરોપ લગાવતા આ હરકત કરાનારા તત્વો સામે યોગ્ય પગલાં લેવાની માંગ પણ મીડિયાનાં માધ્યમ થકી કરવામાં આવી હતી. એક બાજુ જ્યારે ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રમાં વઢવાણ, જૂનાગઢ અને જામનગર ખાતે સભાઓ ગજાવી રહ્યા હતા, ત્યારે આ પત્રિકાઓએ સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી વાયરલ કરવામાં આવી હોવાનો આક્ષેપ ભાજપના મોવડી મંડળે કોંગ્રેસ પર લગાડીને આ મુદ્દે વિધિવત કાનૂની લડાઈ કરશે તેવી વાત જણાવી હતી.