અમદાવાદ: થોડા દિવસો અગાઉ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પેસેન્જરથી ભરેલી BRTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની મીટીંગમાં આ મુદ્દો ઉછળ્યો હતો. અવારનવાર BRTS બસમાં લાગતી આગ અને BRTS બસ ખરાબ થવાની ઘટનાઓ વિશે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
BRTS બસમાં આગ લાગવાના કિસ્સાઓ વધ્યા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક તરફ BRTS ના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ટ્રાન્સપોર્ટ સેવા ચલાવવામાં આવે છે અને તેને સ્માર્ટ ટ્રાન્સપોર્ટનું નામ દેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે અમદાવાદનું BRTS ટ્રાન્સપોર્ટેશનના માત્ર શહેરનું પરંતુ દેશનું શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટેશન છે. પરંતુ કોંગ્રેસનું માનવું છે કે, ભારતીય જનતા પાર્ટીના રાજમાં અને આ કોર્પોરેશનના રાજમાં BRTS માં કરતા નાગરિકો પોતાની જાન અને માલનું નુકસાન પહોંચાડી શકે છે. કેમ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ BRTS બસ રોડ રસ્તા ઉપર દોડે છે. તેમાં અવારનવાર આગ લાગવાના કિસ્સાઓ વધતા જાય છે".
50-60 લોકો સવાર હોયને બસમાં આગ ભભુકી: વધુમાં વિપક્ષ નેતા જણાવે છે કે, "50-60 લોકો બસમાં સવાર હોય અને ત્યારે આ ઈલેક્ટ્રીક બસોમાં આગ લાગી જાય છે. પોતાની જાન બચાવીને ભાગવું પડે છે તે સૂચવે છે કે, કોર્પોરેશનની આ ટ્રાન્સપોર્ટ સર્વિસ અમદાવાદ શહેરના લોકોને ટ્રાન્સપોર્ટ સર્વિસ દેતી નથી. પરંતુ ક્યાંકને ક્યાંક તેમની જાનની દુશ્મન બનીને બેઠી છે'.
રોજ 50 થી વધુ BRTS બસ બ્રેક ડાઉન થાય છે: કુલ 274 જેટલી બસો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ ઉપર દોડાવવામાં આવી રહી છે, જેમાંથી રોજ 50થી વધુ બસોનું બ્રેક ડાઉન થાય છે.
આગ લાગતી મોટાભાગની બસ JBM કંપનીની છે: વધુમાં શહેઝાદ ખાન પઠાણ જણાવ્યું હતું કે, વધુ શરમની વાત એ છે કે, JBM કંપનીની બસોમાં આગ લાગવાની ઘટના બને છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની પાસેથી કોઈ રિકવરી કરતી નથી. ઉલટાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જ કંપનીને વધુ 200 બસ ખરીદવાનો કોન્ટ્રાકટ આપે છે. કોંગ્રેસ પાર્ટી આ બાબતનો વિરોધ કરે છે અને આ કંપનીને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી છે. બસ તો દૂર એક સૂઈ પણ એવી કંપની પાસેથી ન ખરીદવી જોઈએ જે જનતાની જાનને નુકસાન પહોંચાડતી હોય. તે બાબતે વિરોધ નોંધાવ્યો હતો.
બસ ડેપોમાં ચાર્જ થાય ત્યારે આવી ઘટના બને છે: ત્યારે આ બાબતે DYMC વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદ BRTS દ્વારા કુલ 321 બસ પરિવહનની વ્યવસ્થા માટે મૂકવામાં આવેલી છે. જેમાંથી 200 ઇલેક્ટ્રિકલ બસ છે. અગાઉ જે પણ આગ લાગવાની ઘટના બની છે. તે ડેપોમાં બસ ચાર્જ થતી હોય ત્યારે બનેલી છે. જ્યારે અગાઉ 3 વર્ષમાં આગ લાગી હતી. ત્યારે એક બસમાં આગ લાગવાથી બાજુની 2 બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.
તપાસ રિપોર્ટ આવતા એક્શન લેવામાં આવશે: કાલુપુર વિસ્તારમાં BRTS બસમાં આગ લાગવાની ઘટનાના અનુસંધાને વિશાલ ખનામાએ જણાવ્યુ હતું કે, આ પ્રથમ એવી ઘટના હતી કે, ઓપરેશનમાં ચાલુ બસમાં આગ લાગી હતી. આ બાબતે JBM કંપની દ્વારા ટેકનિકલ કોન્સન્ટેન્ટ પણ મૂકવામાં આવેલ છે. તેમના દ્વારા ટૂંક જ સમયમાં આ બાબતનો રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને તે રિપોર્ટને આધીન તેમના પર એક્શન પર લેવામાં આવશે.
આ પણ વાંચો: