કચ્છ: કચ્છના લેખક અને ઇતિહાસકાર સંજય ઠાકરે અષાઢી બીજ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,"કચ્છીઓનું અદકેરું પર્વ એટલે કે અષાઢી બીજ. વિશ્વના ખૂણે ખૂણે વસતા કચ્છીઓ અષાઢ સુદ બીજના દિવસે પોતાનું આગવું નૂતન વર્ષ ઊજવે છે. દરિયા ખેડૂતો ખેપ પૂરી કરીને વતન પરત ફરતા હોય છે અને દરિયાનું પૂજન કરતા હોય છે. હિજરત કરી ગયેલા માલધારીઓ કે જે પાણી અને ખોરાકની શોધમાં બહાર ગયા હોય છે તે પણ વતન પરત ફરતા હોય છે. ખેડૂતો પણ પોતના ખેતરમાં વાવણીના કામનો પ્રારંભ કરે છે. આમ કચ્છી વર્ષ અષાઢી બીજ એ સૌર વર્ષ તરીકે પણ જાણીતું છે.
કડવા પાટીદારોમાં અનોખી પરંપરા: અષાઢી બીજનાં દિવસે કચ્છમાં દરબાર ભરાતો અને ધાર્મિક ઉજવણી પણ થતી હોય છે. હાલમાં સામાજિક કાર્યોનો શુભારંભ લોકો અષાઢી બીજનાં દિવસે કરતાં હોય છે. નખત્રાણા તાલુકાના વિથોણ ગામમાં અનોખી પરંપરા ઉજવવામાં આવે છે. ઠેર ઠેર વસેલા કડવા પાટીદારો પોતના વતન ભેગા થતા હોય છે, અનેે વડીલોને પુત્રવધુઓ લાઈનસર બેસાડીને પાણીના બેડા લઈને જળાભિષેક કરતા હોય છે.
ઈતિહાસની દ્રષ્ટિએ: ઈતિહાસની રીતે અષાઢી બીજની વાત કરવામાં આવે તો કચ્છના કેરામાં રાજધાની સ્થાપનાર લાખા ફૂલાંણી કે જે પ્રતાપી રાજવી હતા અને તેઓ પૃથ્વીનો છેડો ગોતવા નીકળી પડ્યા હતા.પરંતુ તેમને પૃથ્વીનો છેડો તો ના મળ્યો તેઓ જ્યારે પાછા કચ્છ આવ્યા ત્યારે તેમણે કચ્છમાં જે હરિયાળીના દ્રશ્યો જોયા તે જોઈને તેમને કચ્છી નવા વર્ષ અષાઢી બીજની શરૂઆત કરી હતી.
કચ્છના વિવિધ તાલુકાઓમાં હવે નીકળે છે રથયાત્રા: ભૂતકાળમાં કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ કચ્છી પંચાગ પણ શરૂ કરાવ્યું હતું. હવે તો કચ્છના વિવિધ તાલુકાઓમાં રથયાત્રા પણ શરૂ કરી છે. અને ભગવાનને નગરચર્યા કરાવવામાં આવે છે. આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી અને તે સમયથી તે દિવસને અષાઢી બીજ તરીકે મનાવવામાં આવે છે.
મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો.
— Narendra Modi (@narendramodi) July 7, 2024
અષાઢી બીજ એટલે મેઘવર્ષાના શુકન: કચ્છના પ્રખ્યાત કવિ તેજપાલ ધારશી શહે (તેજ) અષાઢી બીજ અંગે ખૂબ સરસ લખ્યું છે કે, "સજન શીરો ગુંટબો, આવઈ અષાઢી બીજ, કરબો પ્રભુ કે વિનંતી,કે વર વરે વસધો બીજ".
કચ્છી માણસ હંમેશા વરસાદ અને પાણી માટે તલપતો રહ્યો છે, ત્યારે આ તલપ કાવ્યપંક્તિમાં દેખાય છે. કચ્છમાં વર્ષારંભ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજનાં દિવસે જો મેઘરાજા વરસે અને શુકન થાય તો કચ્છી નવા વર્ષની ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય છે.
અષાઢી બીજનાં નવા સિક્કા બહાર પડતાં: "અષાઢી બીજનાં દિવસે રાજાશાહી સમયમાં કચ્છી પંચાગ બહાર પાડવામાં આવતાં હતાં અને નવા સિક્કાઓનું પણ છાપકામ શરૂ કરવામાં આવતું હતું. તો સાથે જ જવા ચલણી સિક્કાઓ બહાર પડાતા. કચ્છનો રાજવી પરિવાર ભૂજના દરબારગઢમાં પુજન કરીને નવા વર્ષની ઉજવણી કરે છે. જો કે આજના આ આધુનિક સમયમાં હવે નવા વર્ષની ઉજવણી માત્ર લોકો એકબીજાને શુભેચ્છા પાઠવીને જ કરી રહ્યા છે. અષાઢી બીજનાં દિવસે કચ્છના લોકો એક બીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે તેવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે"
કેટલાક પ્રખ્યાત કચ્છી વાક્યો
"કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ, જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ"
"શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ"
"કચ્છી ભાંવરે કે અષાઢી બીજ જી જજીયું જજીયું વંધાઈંયું"