કચ્છ: કચ્છના મુન્દ્રામાંથી પશ્ચિમ કચ્છ SOG પોલીસે બાતમીના આધારે કુરિયર મારફતે મગાવેલો ગાંજાનો જથ્થાનું પાર્સલ ઝડપી પાડ્યું છે. જેમાં પાર્સલમાંથી ગાંજાના 10 પેકેટ મળી આવ્યા છે. 1 લાખની કિંમતનો ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કુરિયર મારફતે નશીલા પદાર્થ મંગાવવાની નવી મોડસ ઓપરેન્ડી
પશ્ચિમ કચ્છ DySP એમ.જે. ક્રિશ્ચિયને માહિતી અપાતા જણાવ્યું હતું કે, કચ્છમાં માદક પદાર્થની હેરાફેરીના વધતા બનાવો વચ્ચે કુરિયર મારફતે માદક પદાર્થ મંગાવવાની નવી મોડસ ઓપરેન્ડી છેલ્લા કેટલાક સમયથી ગુનેગારો અપનાવી રહ્યા છે. ત્યારે મુંદ્રામાંથી પશ્ચિમ કચ્છ પોલીસ SOGએ આ મોડસ ઓપરેન્ડીને ધ્યાનમાં રાખીને કુરિયર મારફતે આવેલા ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસ SOGએ રૂ.1,01,490ની કિંમતનો 10.149 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને માલ મગાવનારા તથા મોકલનારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી
સમગ્ર કેસ અંગે માહિતી અપાતા જણાવ્યું હતું કે, એસઓજીના હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજા અને રઘુવીરસિંહ જાડેજાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે મુંદરા ખાતે ઉમિયાનગરમાં કુરિયર સર્વિસમાં ગાંજાનો જથ્થો એક પાર્સલમાં આવ્યો છે. જેથી બાતમીની હકીકતના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાર્યવાહી દરમિયાન 6 ફેબ્રુઆરીથી કુરિયર ઓફિસમાં પડેલું ગુલાબી પટ્ટાવાળા કોથળામાં રહેલું પાર્સલ મળી આવ્યું હતું, જેના પર ઓરિસ્સાનું સરનામું લખેલું હતું. એઓજીએ આ પાર્સલ તપાસતા તેમાંથી માદકના 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા.
પાર્સલમાંથી 10 કિલો ગાંજો ઝડપાયો
SOGએ એફએસલની ટીમને બોલાવીને પાર્સલમાંથી મળી આવેલા પેકેટનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાં જુદા-જુદા વજનના પેકેટમાં રખાયેલો જથ્થો ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આ ગાંજાના જથ્થાનું કુલ વજન 10.149 કિલો ગ્રામ અને કિંમત રૂ. 1,01,490 છે. સમગ્ર ઘટના અંગે પોલીસે કુરિયર સર્વિસના મેનેજરને આ બાબતે પૂછતાં તેણે એડ્રેસ સાથે આપેલા સંપર્ક નંબર પર ફોન કર્યો હતો જેમાં હિંદીભાષી શખ્સે પાર્સલ પોતાનું હોવાનું સ્વીકાર્યા બાદ પણ પાર્સલ લેવા આવ્યો ન હોવાનું અને આ પાર્સલ ગાંધીધામ મોકલવાનું હતું તે જણાવ્યું હતું.
પોલીસે 2 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જોકે આ પાર્સલ કોણે મોકલ્યું હતું અને કોણે મંગાવ્યું હતું તે સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા શખ્સો સામે NDPS એક્ટ હેઠળ સેન્ડિંગ એન્ડ રીટર્ન એડ્રેસથી કુરીયર મારફતે ગાંજાનો જથ્થો મોકલનાર અજાણ્યા વ્યક્તિ તેમજ કુરીયર સર્વિસ મારફતે ગાંજાનો જથ્થો મંગાવનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: