કચ્છ: સમગ્ર કચ્છમાં વહેલી સવારથી ગરમીનો ઉકળાટ થઈ રહ્યો હતો અને લોકોને બફારાનો સામનો કરવો પડ્યો હતો. જોકે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે બપોરના સમયે કચ્છના જીલ્લા મથક ભુજ, માંડવી, મુન્દ્રા અને નખત્રાણા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો.
બજાર જાણે કે નદીમાં ફેરવાઈ ગઈ: એવામાં ભુજમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, અને પશ્ચિમ કચ્છનું નખત્રાણા પાણી પાણી થયું હતું. ભારે વરસાદના પગલે ભારે પાણી વહી નીકળ્યા હતા તો નખત્રાણાની મેન બજાર જાણે કે નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નખત્રાણા- ભુજ હાઇવે પર ટ્રાફિક અવરોધાયો હતો અને લોકોએ વોકળાઓની બંને બાજુએ રાહ જોવી પડી હતી .જોકે રિસ્ક લઈને બાઈક સવાર વોકળામાંથી પસાર થવા જતા બાઈક પાણીના પ્રવાહમાં તણાઈ હતી. આસપાસના સ્થાનિક લોકોએ બાઈકને તણાતા અટકાવી હતી.
નાના બાળકોએ વરસાદની મજા માણી: નખત્રાણા વચ્ચેથી પસાર થતા વોકળાઓમાં ભારે પાણી વહી નીકળ્યા હતા.બીજી બાજુ માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં પણ મેઘરાજાએ વરસાદી ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવી હતી. ગાજવીજ સાથેના વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને નાના બાળકોએ વરસાદમાં નહાવાની મોજ પણ માણી હતી. તો બીજી બાજુ સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ વાવણીને લઈને ખુશી જોવા મળી હતી.