કચ્છ: માંડવી તાલુકાના ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી 100 મીટર દૂર બસની રાહ જોઇને ઊભેલી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી 28 વર્ષીય ગૌરી ગરવા નામની યુવતી ઉપર તેના એકતરફી પ્રેમી સાગર સંઘારે બેરહેમીપૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી. જેના વિરોધમાં તેમજ આ આરોપીને ફાંસીની સજા થાય તે માટે આજે ભુજમાં સર્વ સમાજના લોકોએ એકઠા થઈને મૌન રેલી યોજીને કચ્છ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ગૌરીબેનની હત્યાના બનાવમાં આરોપી વિરૂધ્ધમાં કડક કાર્યવાહી, પોલીસની તટસ્થ તપાસ, ઝડપી ન્યાય, આર્થિક સહાય, ખાસ સરકારી વકીલની નિયુકતી સહીતની માંગ સાથે આજે એક મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાયા હતા.
હત્યા કર્યા બાદ આરોપી સાગરે ઝેરી દવા પીધી હતી
માંડવી તાલુકાના ગોધરા ગામે 30મી ડીસેમ્બરના વહેલી સવારે બનેલા આ બનાવથી ભારે ચકચાર પ્રસર્યા બાદ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા સહિતના અધિકારીઓના કાફલા સાથે તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોગ સ્કવોડ સહિતની સઘન તપાસ હાથ ધરી હતી. આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો. હત્યા કર્યા બાદ આરોપી સાગરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે માંડવીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો.
મૌન રેલી સ્વરૂપે આક્રોશ વ્યકત કરી ક્લેક્ટરને આવેદન
તલવાર અને ગુપ્તીના અસંખ્ય ઘા મારી, ઘાતકી અને કરપીણ હત્યાના આરોપી સાગર સંઘારને કડક કાર્યવાહી કરી ફાંસી સુધીની સજા અપાવવા અને હત્યાના "રેર ઓફ ઘી રેર" કેસના આરોપીને સજાની માંગ સાથે હજારોની સંખ્યામાં કચ્છ જીલ્લામાંથી તમામ જ્ઞાતિ-જાતિના ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી "મૌન રેલી" સ્વરૂપે આક્રોશ વ્યકત કર્યો હતો. રેલમાં ક્લેક્ટરને આવેદન પાઠવી આ નિર્મમ હત્યાના કેસમાં સબંધીત વિભાગોને સૂચનો અપાઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
એકતરફી પ્રેમી અવારનવાર યુવતીને હેરાન-પરેશાન કરતો હતો
ઉલ્લેખનીય છે કે આ એકતરફી પ્રેમી અવારનવાર યુવતીને હેરાન-પરેશાન કરતો હતો તેવું પણ તપાસમાં બહાર આવ્યું હતું. ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં બે ભાઇઓ અને માતા સાથે રહેનાર યુવતી ગૌરી છેલ્લા બે વર્ષથી તુંબડી ખાતે પીએચસી સેન્ટરમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતી હતી. ગૌરીફરજ ઉપર તુંબડી જવા માટે આ દરરોજ વહેલી સવારે 5:30ના અરસામાં ઘરેથી નીકળી અંબેધામથી ભચાઉ જતી બસમાં બેસીને તુંબડી પહોંચતી હતી.
આરોપીએ ક્રૂર રીતે કરી હત્યા
આરોપી સાગરે મૃતક યુવતીને ગુપ્તી અને તલવાર તથા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઇ તેની હત્યા નીપજાવી હતી. ક્રૂર એવા આરોપીએ યુવતીના પેટમાં ગુપ્તી ભરાવીને તેને રહેંસી નાખી હતી તો અવારનવાર અગાઉ પણ છરીની અણીએ તે યુવતીને બાઇક પર બેસાડી લઈ જતો હતો. આરોપીએ યુવતીના માથાંના ભાગે તલવારના ઘા ઝીંકી તલવાર પણ ત્યાં જ મૂકી નાસી ગયો હતો. અસંખ્ય હથિયારના ઘાથી યુવતીએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. દીકરીની હત્યાની જાણ થતાં જ તેનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને દીકરીની આવી ક્રૂર હત્યા થયેલ દ્શ્ય જોઈને સૌકોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને પરિવારના સભ્યોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક કરોડ જેટલુ વળતર આપવામાં આવે તેવી માંગ
આ સમગ્ર હત્યા કેસ અત્યંત સંવેદનશીલ હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) બનાવીને તપાસ, નિવેદન, પુરાવાઓ એકત્ર કરી કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવે. તેમજ આ નિર્મમ હત્યા કેસમાં મૃતક અપરણીત દીકરી પિતાના છત્રછાયા વિનાની કોન્ટ્રાકટ બેઝ પર આરોગ્ય વિભાગમાં નોકરી કરતી હોઈ પરિવારનો આધારસ્તંભ હોઈ પરિવારના સભ્યને રહેમરાહે નોકરી તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક કરોડ જેટલુ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.