કચ્છ: જુલાઈ મહિનામાં ભુજ તાલુકાના ખાવડા નજીક ખારી ગામે પરિણીત પ્રેમી યુગલે કાયમ માટે એકમેકનાં થઈ જવાની ઈચ્છા સાથે અજાણ્યા વૃધ્ધની હત્યા કરી નાખી હતી. ઉપરાંત તેની લાશને સળગાવીને પ્રેમિકાના આપઘાતનું નાટક રચીને ફરાર થઈ ગયા હતા. આ પ્રેમિકા અને પ્રેમીને ખાવડા પોલીસે ઝડપી લીધાં છે. અને સમગ્ર ઘટના પરથી પડદો ઉઠાવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
જુલાઈ માસમાં શંકાસ્પદ કંકાલ મળ્યું હતું: ખાવડા પોલીસ સ્ટેશન ખાતે જુલાઈ માસમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ દરમિયાન જણાયું હતું કે, 5 જુલાઈ 2024ના રોજ ખારી ગામે જે લાકડામાં સળગેલ કંકાલ મળી આવ્યો હતો તે કોઈ વ્યક્તિનો કંકાલ હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં ઉંડાણ પુર્વકની તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
કંકાલના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા: ખાવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા જાણવા જોગની તપાસ દરમિયાન બનાવવાળી સ્થાનિક જગ્યાએ એફ.એસ.એલ. અધિકારીની હાજરીમા સ્થાનિક જગ્યાનું પંચનામું કારવામાં આવ્યું હતું. ત્યારબાદ જરૂરી નમુના કબ્જે કરી ડી.એન.એ. માટે ડી.એફ.એસ. ગાંધીનગર તથા અન્ય સેમ્પલ એફ.એસ.એલ. રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા. તેમજ તપાસ માટે નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. જે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, 5 જુલાઈના રોજ જે લાકડામાં સળગેલ કંકાલ મળ્યું હતું તે માણસનું જ કંકાલ છે અને કંકાલ બાબતે અન્ય તપાસ સજરું કરવામાં આવી હતી.
આરોપી પ્રેમી યુગલનું કાવતરું હોવાનો પ્રેમિકાના પિતાની અરજી: આરોપી રામીના પિતા સાકરાભાઈ કેરાસીયાએ પોતાની દીકરીએ પ્રેમીને પામવા માટે પોતાના આપઘાતનું નાટક રચીને કોઈ ગંભીર ગુનો કર્યા હોવાની અરજી આપી હતી. ત્યારે હવે આરોપી યુગલને પોલીસે રાપર વિસ્તારમાંથી ઝડપી પાડયા છે અને તેમની પૂછપરછ કરતાં હત્યાકાંડનો પર્દાફાશ થયો છે.
થ્રીલર ફિલ્મ જેવી આ ઘટનાનો પર્દાફાશ: ક્રાઈમ થ્રીલર ફિલ્મ જેવી આ ઘટનાનો ખાવડા પોલીસે પર્દાફાશ કરીને પ્રેમી યુગલ વિરુધ્ધ હત્યા, હત્યાના ઈરાદે અપહરણ અને ગુનો છૂપાવવા પૂરાવાનો નાશ કરી ખોટી માહિતી જાહેર કરવાની કલમો હેઠળ પ્રેમી યુગલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
1 માસથી અજાણી લાશની શોધખોળમાં હતો પ્રેમી: જાણવા મળતી માહિતી પ્રમાણે રામીબેન કેરાસીયા તથા તેનો પ્રેમી અનિલ ગાંગલ બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન લેવલે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરવામાં આવી હતી. આરોપી અનિલ છેલ્લા એક મહીનાથી બિન વારસુ લાશની શોધખોળ કરતો હતો, પરંતુ તેને કોઈ લાશ મળીતી ન હતી.
ત્યારબાદ 3 જુલાઈના રોજ થાકી આરોપી ભુજના હમીરસર તળાવના બાંકડા ઉપર બેઠેલ હતો ત્યારે તેની બાજુના બાંકડા ઉપર એક મોટી ઉંમરના કાકા આવીને બેસ્યા. આરોપીએ તેમને તેમનું નામ અને અન્ય વિગતો પુછતા પોતે ભરત ભાટીયા છે તેમ જણાવ્યું હતું. ઉપરાંત પરિવારમાં આગળ પાછળ કોઇ પણ ન હોવાનું જણાવ્યું હતું.
પરિવાર વિનાના એકલા રહેતા વૃદ્ધની હત્યા કરી: આરોપીએ વૃધ્ધનો પીછો કરી તે જે જગ્યાએ સુતેલ હતો તેની રેકી કરી રાતના બારેક વાગ્યા બાદ ત્યાંથી તે કાકાને બળજબરીથી તેની ઇકો ગાડીમાં બેસાડી લઇ દરવાજો બંધ કરી કુનરીયાથી ઢોરી થઇ ભોજરડો છછી ગામની સીમ વિસ્તારમાં લઈ ગયા હતા. આ વિસ્તારમાં રાત્રિના સમયે કોઇ પણ માણસ કે કોઇ વાહન આ આવતું દેખાતા ઇકો ગાડી ઊભી રાખી આરોપીએ ભરતભાઇ ભાટીયાને ગળેટુંપો આપી મોત નિપજાવી તેની લાશને ખારી ગામે આવેલ આરોપીના વાડામાં લઇ ગયો હતો.
પ્રેમિકાએ આપઘાત કરી રહ્યા હોવાનો વિડિયો બનાવ્યો: પ્રેમિકા રામીબેન કેરાસીયા સાથે મળી અનિલે ઇકો ગાડીમાંથી લાશને નીચે ઉતારી બાજુમાં મુકી તેના ઉપર કચરો અને પથ્થર મુકી લાશને સંતાડી દીધી હતી. ત્યારબાદ આપઘાતનો કાવતરું રચ્યું હતું. જેમાં બન્નેના પ્લાન મુજબ રામીબેન પોતાના મોબાઇલ ફોનમા 19 જૂનના રોજ પોતે જીંદગીથી કંટાળી ગયેલ છે અને તમને મારી પાસેથી અપેક્ષાઓ છે તે હું પુરી કરી શકું તેમ નથી જેથી મને માફ કરી દેજો તેવા બે અલગ અલગ વિડીયો બનાવેલ વિડીયો 5 જુલાઈના રોજ પોતાના પિતાને મોકલી યોજેલ પ્લાન મુજબ બપોરના 11:30 વાગ્યાની આસપાસ તે લાશને તેના વાડામાંથી લઇ જઇ બાજુમાં આવેલ કાના કરશન ચાડના વાડામાં વધારે લાકડા હોય તે લાકડા ઉપર સુવડાવી તેના ઉપર સહ આરોપી રામીબેનના કપડા, સાકળા, બંગળી મુકી દીધા હતા.
તમને જણાવી દઈએ કે, આ સંપૂર્ણ ઘટનાને અંજામ આપનાર આરોપીઓના નામ નીચે મુજબ છે:
- 26 વર્ષીય અનીલ ગોપાલભાઈ વિશ્રામભાઈ ગાંગલ
- 25 વર્ષીય રામીબેન કેરાસીયા (આહીર)
72 વર્ષની વૃધ્ધની લાશને પ્રેમી યુગલે સાથે મળીને સળગાવી: આરોપી પ્રેમી અનિલે પ્રેમિકા રામીબેન સાથે મળીને 2500 રૂપિયાનું ડીઝલ રામીબેન સાથે જઈને લઇ આવ્યા હતા. જે આશરે 5 લીટર જેટલું હતું. તમામ ડીઝલ આરોપી અનિલે તે લાશ તથા લાકડા ઉપર નાખી રામીના ચપ્પલ તથા મોબાઇલ ફોન તમામ ચીજવસ્તુઓ લાશ પાસે મૂકી સળગાવી દઇ ત્યાંથી પોતાની બાઈક લઇ નાસી ગયા હતા. અને રવેચી(રવ) ખાતે જઈ ત્યાં એક રાત રોકાઈ બીજા દિવસે આરોપી અનિલ આરોપી પ્રેમિકાના બેસણામાં પણ આવ્યો હતો. આમ બંને જાણે મળીને આ રીતે પ્લાનિંગ કર્યું હતું અને તે મુજબ જ સમગ્ર
ઘટનાના 2 મહિના બાદ પ્રેમિકા પોતાના પિતા સમક્ષ હાજર થઈ: બન્ને આરોપીઓ એક મહીના જેટલો સમય ભાણવાડ તાલુકાના કબરખા ગામમાં રહ્યા હતા. અને ત્યારબાદ ભુજ ખાતે આવી ઉમેશ નગરમાં બે મહીના જેટલો સમય એક મકાનમાં ભાડે રહ્યા હતા. ત્યાર બાદ 27 સપ્ટેમ્બર 2024 ના રોજ રાતના 11 વાગ્યાની આસપાસ આરોપી રામીબેનના પિતા સાકરાભાઈ પાસે નાડાપા ખાતે જઈ પોતે જીવીત હોવાની હકીકત જણાવતા તેના પિતાએ પોતે સ્વીકાર કરવાની ના પાડી અને પોલીસ સ્ટેશને હાજર થવાનું કહેતા બન્ને આરોપીઓ નાસી ગયા હતા.
મરણ પામનારનું સ્કેચ તૈયાર કરાયું: બન્ને આરોપીઓએ સમગ્ર ઘટના અને હત્યા તેમજ આપઘાતના કાવતરાની કબુલાત કરી હતી અને આ કામે મૃત્યુ પામનારની શોધખોળ હાથ ધરવામા આવી હતી. આ દરમિયાન મૃત્યુ પામનાર જે જગ્યાએ રાત્રીના સમયે સુતા હતા તે શિવમ ટ્રેડર્સના માલીકને મળી આ બાબતે પુછતા તેઓએ પોલીસ અને માનવતાના ધોરણે તપાસમાં સહયોગ આપી આ મૃત્યુ પામનારનો સ્કેચ બનાવવામાં મદદ કરી હતી. તેમની મદદના આધારે એક સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. તૈયાર કરવામાં આવેલ સ્ક્રેચના આધારે મૃત્યુ પામનાર મુળ માનકુવા જુના વાસના રહેવાસી અને પોતાના પરીવારમાં કોઇ ન હોવાના કારણે પોતે એકલવાયું જીવન જીવતા હોવાની માહિતી સામે આવી હતી.
આરોપીઓ વિરૂદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો: મૃત્યુ પામનારના ભાઈ નરેશભાઈ પ્રતાપસિંહ ગાંધીએ(ભાટીયા) તૈયાર કરવામાં આવેલ સ્કેચ પોતાના ભાઇનો હોવાનું ઓળખી કાઢ્યું હતું. જેથી સમગ્ર તપાસ દરમિયાન આ બન્ને જણાએ તેઓના યોજેલ પ્લાન મુજબ એક એકલવાયું જીવન જીવતા 72 વર્ષીય ભરતભાઇ પ્રતાપસિંગ ગાંધી(ભાટીયા) ને મોતને ઘાટ ઉતારેલાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવતા બન્ને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ- 103(1), 140(1), 238(એ), 61 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ગુનાની વધુ તપાસ ખાવડા પોલીસ સેટશનના પીએસઆઈ એમ.બી. ચાવડાએ હાથ ધરી છે.
આ પણ વાંચો: