કચ્છ : છેલ્લા થોડા સમયથી કચ્છ જિલ્લામાં વન્ય પ્રાણીઓનો શિકાર કરતી ટોળકીઓ સક્રિય થઈ છે. ખાવડા પોલીસે જંગલી ભૂંડનો શિકાર કરતી ટોળકીને બંદુક તથા શિકાર કરવાના સાધનો સાથે ઝડપી પાડી છે. ખાવડાના ઉઘમા ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન 3 શિકારીની ટોળકી ઝડપાઈ છે. કુલ 4 આરોપીઓ સામે વન્ય સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે
કચ્છમાં શિકારીઓ સક્રિય થયા : પશ્ચિમ કચ્છ જિલ્લાના વન વિસ્તારમાં શિકારીઓ દ્વારા અવારનવાર શિકાર કરવાની પ્રવૃત્તિઓ થતી હોય છે. શિકારની પ્રવૃતિઓ અટકાવવા અને શિકાર કરતી ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યા હતા. જે મુજબ ખાવડા વિસ્તારમાં પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.
જંગલી ભૂંડ સાથે શિકારી હથિયાર : ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. પટેલ સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રધ્યુમનસિંહ વાઢેર સહિતના ખાવડા પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારીઓ ઉઘમા ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. જે દરમિયાન ડી. આઇ. કમાન્ડર ગાડી ચેક કરતા તેમાંથી એક બંદુક, એક મૃત પામેલ જંગલી ભુંડ, એક કુહાડી, 300 ગ્રામ જેટલા ધાતુના છરા મળી આવ્યા હતા.
3 આરોપી ઝડપાયા, એક વોન્ટેડ : આ સાથે કુલ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ખાવડા પોલીસે આ શિકારી ટોળકીમાં ઝડપી પાડેલ આરોપીઓમાં (1) ભચાઉનો 40 વર્ષીય મોતી સાદુર કોલી, (2) ખાવડાનો 21 વર્ષીય મહેન્દ્ર અરવિંદ કોલી, (3) ભીરંડીયારાનો 50 વર્ષીય મીસરી લોંગ કોલી તેમજ પકડવાનો બાકી આરોપીમાં ભચાઉના સાદુર રૂડા કોલીનો સમાવેશ થાય છે.
મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી : ખાવડા પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો તેમજ વન્ય સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ખાવડા પોલીસે જપ્ત કરેલ મુદામાલ પૈકી જંગલી ભુંડનો મૃતદેહ વન વિભાગને સોંપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ખાવડા પોલીસે આરોપીઓ પાસેથી 2000 ની કિંમતની દેશી બનાવટની મઝલ લોડ બંદુક, કુહાડી, ધાતુના 300 ગ્રામ છરા, મહિન્દ્ર કંપનીની 1 લાખની કિંમતની ડી. આઇ. કમાન્ડર, કુલ 4300 રૂપિયાની કિંમતના 3 મોબાઇલ સહિત કુલ 1,06,300નો મુદામાલ કબ્જે કર્યો છે.