કચ્છ : કચ્છ યુનિવર્સિટીને કુલ 21 કરોડની ગ્રાન્ટની ફાળવણી થઇ છે. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (રૂસા)ની ગ્રાન્ટ માટે પસંદગી પામેલ નેકની માન્યતા ધરાવતી યુનિવર્સિટીને 100 કરોડ અને નેક ન ધરાવતી યુનિવર્સિટીને 20 કરોડની ગ્રાન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવી રહી છે.જેના અંતર્ગત ગુજરાતમાં 11 સરકારી યુનિવર્સિટી પૈકી 6 સંસ્થાની પસંદગી કરવામાં આવી છે. જેમાં નેક ધરાવતી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 100-100 કરોડ અને નેક ન ધરાવતી કચ્છ યુનિવર્સિટી,સરદાર પટેલ આણંદ, જૂનાગઢ તેમજ ગુજરાત યુનિવર્સિટીને 20- 20કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
ગ્રીન કેમ્પસ, કોલેજના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા વિકસાવાશે : કચ્છ યુનિવર્સિટીને રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (રૂસા) અંતર્ગત 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે ગ્રાન્ટમાંથી એમબીએ ભવન, યુનિવર્સિટીમાં ગ્રીન કેમ્પસ, કોલેજના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સવલતો ઉભી કરવામાં આવશે. આ પ્રયાસો થકી યુનિવર્સિટીને જેમ બને તેમ ઝડપથી નેકની માન્યતા મળે તેવા પ્રયાસો કરવામાં આવશે તેવું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહન પટેલે જણાવ્યું હતું.
કચ્છ સહિત દેશની 78 જેટલી યુનિવર્સિટીને ફાળવણી : ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળની ગ્રાન્ટ ફાળવણીને ઓક્ટોબરમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેની આજે સતાવાર રીતે ફાળવણી કરવામાં આવી છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચ્છ સહિત દેશની 78 જેટલી યુનિવર્સિટીને આજે આ રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવી છે.નેક માન્યતા ના હોતાં 20 કરોડની ગ્રાન્ટ મળી છે.
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી જેને ભારત સરકાર દ્વારા ભારત દેશમાંથી જુદી જુદી યુનિવર્સિટીઓને પ્રાઇમ મિનિસ્ટર ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ 78 યુનિવર્સિટીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમાં ગુજરાતમાં છ યુનિવર્સિટીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવી અને એમાં કચ્છની યુનિવર્સિટીને 20 કરોડની ગ્રાન્ટ એ ફાળવવામાં આવી છે. આ 20 કરોડની ગ્રાન્ટમાં નવા બાંધકામ માટે બાંધકામ જે થયેલા છે એની સુધારણા માટે અને એ જ રીતે સાધનો ખરીદી માટે પહેલા 7 કરોડ પછી 7 કરોડ અને 6 કરોડ એ રીતે ફાળવણી થયેલી છે... ડો. મોહન પટેલ (કચ્છ યુનિવર્સિટી કુલપતિ)
નવા વિષયો પર MBA શરૂ કરાશે : કચ્છ યુનિવર્સિટીમાં માત્ર HR, Marketing અને Finance વિષયો પર MBA થાય છે ત્યારે ખાસ તો MBA માટે નવું ભવન બનાવવામાં આવશે તો સાથે જ MBA 25 પ્રકારના થાય છે તો ભવિષ્યમાં કચ્છને અનુરૂપ એવા tourism, hospitality, ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં પણ MBA નો અભ્યાસ શરૂ કરવામાં આવશે.
સરકારની ગ્રાન્ટનો કાર્યક્ષમ ઉપયોગ : આ ઉપરાંત 1 કરોડની ફાળવણી ગુજરાત સરકાર દ્વારા બજેટમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે કરવામાં આવી છે. કચ્છના ખેતી ક્ષેત્રને સબંધિત ઉદ્યોગોને સબંધિત જુદા જુદા કોર્સ શરૂ કરવાનો કચ્છ યુનિવર્સિટીનું પ્રયોજન રહેશે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આ ગ્રાન્ટનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને કચ્છના જે વિદ્યાર્થીઓ છે એને તેનો મહત્તમ લાભ મળે અને યુનિવર્સિટીના અધ્યાપકો જે છે એ પણ એનો મહત્તમ ઉપયોગ કરી શકે એવી ભાવનાથી આ 21 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. કચ્છમાં વધુને વધુ કોલેજોની જરૂરીયાત છે જ્યાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ હોય પરંતુ કોલેજ ન હોય એવા નવા આયામો કરવાનું પણ આગામી સમયમાં આયોજન કરવામાં આવશે. ઉપરાંત કચ્છ યુનિવર્સિટીને જેમ બને તેમ ઝડપથી નેકની માન્યતા મળે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.