કચ્છ: પૂર્વ કચ્છના લાકડીયા વિસ્તારમાંથી થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના કોકેઈન કેસમાં ઝડપાયેલા બે આરોપી પોલીસના જાપ્તામાંથી ફરાર થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. પોલીસ આરોપીઓ સાથે તપાસમાં પંજાબ ગઈ હતી. જ્યાંથી પરત આવતા સમયે પોલીસની ગાડીમાં પંચર પડતા પોલીસને ચકમો આપીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
કોકેઈન કેસના આરોપી જાપ્તામાંથી ફરાર થતાં પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે અને પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી બાજુ પૂર્વ કચ્છ એસપીએ જવાબદાર પોલીસ કર્મીઓ સામે પગલાં લીધા છે. ફરજમાં બેદરકારી બદલ PSI સસ્પેન્ડ કરાયા છે તેમજ ત્રણ પોલીસ કર્મીઓની હેડકવાટર ખાતે બદલી કરી દેવામાં આવી છે.
આરોપીઓને પંજાબ લઈ જઈ તપાસ કરવામાં આવી રહી હતી: પૂર્વ કચ્છના ભચાઉના લાકડીયા પાસે કોકેઈન ડ્રગ્સ સાથે ચાર લોકો પકડાયા હતા. જેમાં કારની બોનેટમાંથી તપાસ દરમિયાન 1.47 કરોડનું કોકેઈન ઝડપી પાડવામાં આવ્યું હતું. જે ડ્રગ્સ પ્રકરણમાં બે મહિલાઓ અને બે પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી. તો આરોપીઓ પંજાબથી કચ્છ કારમાં ડ્રગ્સ ડિલિવરી કરવા કચ્છ તરફ આવી રહ્યા હતા ત્યારે વધુ તપાસ માટે આરોપીઓની સાથે પોલીસ પંજાબ તપાસ કરવા ગઈ હતી.
પોલીસ વાહનમાં પંચર પડતા આરોપી થયા ફરાર: પોલીસ બન્ને પુરુષ આરોપીઓને લઈને પંજાબના ભટીંડા ખાતે તપાસ કરવા ગઈ હતી. તપાસમાં આરોપી સંદિપસિંઘ અને હનિસિંઘને તપાસ અર્થે પોલીસમાં વાહનમાં લઈ જવામાં આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન એક પીએસઆઈ અને અન્ય પાંચ પોલીસ કર્મચારીઓ જાપ્તામાં જોડાયાં હતાં. તપાસ પૂર્ણ થયા બાદ ભટીંડાથી પરત ફરતી વેળાએ પંજાબના મલેર કોટલા જિલ્લાના અહેમદગઢ નજીક રાત્રે હાઈવે પર પોલીસ વાહનના ટાયરમાં પંક્ચર પડ્યું હતું. ત્યારે અચાનક બંને આરોપી પોલીસ કર્મચારીઓને ધક્કો મારીને ભાગી ગયા હતા અને રાત્રીના સમયે નિર્જન ઝાડીઓમાં ગાયબ થઈ ગયા હતા.
જવાબદાર પોલીસ કર્મચારી વિરૂદ્ધ એસપીએ ભર્યા કડક પગલાં: પોલીસે બંને આરોપીઓને શોધવા માટે પ્રયાસો કર્યાં હતાં. પરંતુ હાથે ના લાગતાં મોડી રાત્રે અહેમદગઢ પોલીસ સ્ટેશન ખાતે બન્ને આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ બેદરકાર પોલીસ કર્મચારીઓ પર કડક કાર્યવાહી પણ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા કરવામાં આવી છે. જેમાં ફરજમાં બેદરકારી બદલ PSI સહિત ત્રણ પોલીસ કર્મી સામે પગલાં લેવામાં આવ્યા છે અને PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો અન્ય ત્રણ પોલીસ કર્મીઓની હેડકવાટર ખાતે બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો: