કચ્છ: ગુજરાતનાં સરહદી જીલ્લાઓમાં બિનવારસુ ડ્રગ્સના પેકેટો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. પશ્ચિમ કચ્છના અબડાસાના સિંધોડી અને સૈયદ સુલેમાન બેટ નજીકના દરિયાકિનારે જખૌ મરીન પોલીસને ચરસના 9 પેકેટ મળી આવ્યા હતા. જખૌ મરીન પોલીસને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવ્યા હતા. પોલીસે પેકેટની વધુ તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તો આ ઉપરાંત વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ સઘન ચેકીંગ કરવાનું શરૂ કરી દીધું છે.
દરિયામાં પ્રવાહ વધુ હોતા તણાઈને આવે છે પેકેટો: ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં દરિયામાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવા ડ્રગ્સનાં પેકેટ મોજાની સાથે તણાઈને સપાટીએ આવી જાય છે. આ અગાઉ કડુલીથી પીંગલેશ્વર જતા દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. તો લખપત તાલુકાના રોડાસરમાંથી બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 2 પેકેટ મળી આવ્યા હતા.
ડ્રગ્સ ક્યાંથી આવે છે તેના મૂળ સુધી પહોંચવું જરૂરી: અવારનવાર આ પ્રકારે બિનવારસુ માદક પદાર્થોનો જથ્થો મળી આવતા પ્રશ્નો ઊભા થાય છે કે આ બધો સમાન ક્યાંથી આવી રહ્યો છે? કોણ મોકલી રહ્યું છે? જોકે હજી સુધી પોલીસ કે કોઈ અન્ય એજન્સીઓ તેના મૂળ સુધી પહોંચી શક્યા નથી. તમને જણાવી દઈએ કે, અગાઉ કોઠારા પોલીસે ઝડપી પાડેલા 10 પેકેટ બાબતે કોઠારા પોલીસમાં એનડીપીએસની કલમો હેઠળ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.