કચ્છઃ આજે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2024-25નું સ્વ ભંડોળનું બજેટ રજૂ કરાયું. જેમાં તા.1/4/2024ના રોજ સુધારેલ બજેટની સંભવિત ઉઘડતી સિલક રૂ. 390,16,63,000 તેમજ વર્ષ 2024-2025 દરમિયાન સંભવિત આવક રૂ.1256,19,75,000 દર્શાવાઈ હતી. આ ઉપરાંત સંભવિત ખર્ચ રૂ.1193,17,24,000 હોવાનું અનુમાન રજૂ કરાયુ હતું.
રુપિયા 453.19કરોડનું પુરાંત બજેટઃ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ જનકસિંહ જાડેજાએ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજીક ન્યાય સમિતિ ચેરપર્સન, શાસકપક્ષના નેતા, દંડક, વિરોધપક્ષના નેતા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના સદસ્યોની હાજરીમાં વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. ઉપરાંત વિવિધ માળખાકીય સુવિધાઓ અને વિભાગો ક્ષેત્રે કરેલ આવક તથા ખર્ચની જોગવાઇઓ પણ મૂળ અંદાજપત્રમા પણ સમાવવામાં આવી છે.આમ વર્ષ 2024-25નું પુરાંતવાળુ 453,19,14,000 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
વિવિધ જોગવાઈઓઃ કચ્છ જિલ્લા પંચાયતના વર્ષ 2024-25ના બજેટમાં વિવિધ ક્ષેત્રે આવક તથા ખર્ચની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેમાં સામાન્ય વહીવટી ક્ષેત્રે 1.01 કરોડ, બાંધકામ ક્ષેત્રે 1.62 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 4.23 કરોડ, વિકાસ/પંચાયત અને મહેકમ ક્ષેત્રે 34.85 લાખ, આયુર્વેદ ક્ષેત્રે 70 હાજર, આરોગ્ય ક્ષેત્રે 7.10 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 7.30 લાખ, પશુપાલન ક્ષેત્રે 7.10 લાખ તથા આંકડા ક્ષેત્રે 1.5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સમાજ કલ્યાણ ક્ષેત્રે 37.50 લાખ, કુદરતી આફત ક્ષેત્રે 1.50 લાખ, સિંચાઈ ક્ષેત્રે 7 લાખ, ગ્રામ્ય નાના ઉદ્યોગ અને સહકાર ક્ષેત્રે 25 હજારની જોગવાઇ કરવામાં આવી છે.
સ્ટેમ્પ ડયુટી અને રેતી રોયલ્ટીની જોગવાઈઓઃ વર્ષ 2024-25ના બજેટમાં આઈસીડીએસ ક્ષેત્રે 3.70 લાખ, તાલુકાઓની ફાળવણી પેટે 20.42 કરોડ, રોયલ્ટીના ગ્રાન્ટ પૈકી વિકાસકાર્યોની જોગવાઈ પેટે 6.20 કરોડ, સ્ટેમ્પ ડ્યુટીના ગ્રાન્ટ પૈકી વિકાસકાર્યોની જોગવાઈ પેટે 2 કરોડ, જિલ્લા વિકાસકાર્યોની જોગવાઈ પેટે 1.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ બજેટમાં સ્વ ભંડોળ હેઠળ 27 કરોડ, સ્ટેમ્પ ડ્યુટીમાથી 4.97 કરોડ અને રેતી રોયલ્ટીની 6.20 કરોડની જોગવાઈઓ મળીને કુલ 38.18 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શિક્ષકોની ઘટ અંગે રજૂઆતઃ કચ્છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય મમદ જતે લખપત તાલુકાની શાળામાં 4 જેટલી શાળાઓમાં એક પણ શિક્ષક ના હોવાની રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અવારનવાર શિક્ષણ મુદ્દે પ્રશ્નો કરવામાં આવતા હોય છે. જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, કલેકટર, શિક્ષણ અધિકારી સુધી શાળાઓમાં શિક્ષકો ના હોવાની રજૂઆતો કરી છે છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હોવાથી આજે ફરી એકવાર બજેટ રજૂ કરતી વખતે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પ્રમુખ દ્વારા હાલ શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા અંગે વાત કરી છે. જો અન્ય શાળામાંથી શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે તો અગાઉ જે શાળામાં શિક્ષક અભ્યાસ કરાવતા હતા તે શાળામાં શિક્ષકની ઘટ સર્જાશે. તેથી બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, કલેકટર, શિક્ષણ અધિકારી સુધી શાળાઓમાં શિક્ષકો ના હોવાની રજૂઆતો કરી છે છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હોવાથી આજે ફરી એકવાર બજેટ રજૂ કરતી વખતે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જો અન્ય શાળામાંથી શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે તો અગાઉ જે શાળામાં શિક્ષક અભ્યાસ કરાવતા હતા તે શાળામાં શિક્ષકની ઘટ સર્જાશે...મમદ જત(સભ્ય, કચ્છ જિલ્લા પંચાયત)
આજે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2024-25નું રુપિયા 453.19કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રે વિકાસ થાય તે માટે તેમજ છેવાડાના વ્યક્તિ સુધી વિવિધ યોજનાના લાભ પહોંચે તે માટે જોગવાઈઓ કરવામાં આવી છે. શિક્ષકોની ઘટ બાબતે રજૂઆત કરવામાં આવી છે તે બાબતે તપાસ કરવામાં આવશે અને જ્યાં એક પણ શિક્ષક નહીં હોય ત્યાં શિક્ષકોની નિમણૂક કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે...જનક સિંહ જાડેજા(પ્રમુખ, કચ્છ જિલ્લા પંચાયત)