ભુજ: હિન્દુ ધર્મમાં રંગોળીનું એક અનોખું મહત્વ છે. દરેક લોકો રંગોળીઓ પોતાના ઘરના આંગણે કરતા હોય છે. ત્યારે ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા પટેલ ચોવીસીના ગામોની બહેનો માટે મંદિરના પ્રાંગણમાં રંગોળી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર પરિસરમાં રંગોળી સ્પર્ધા
દર વર્ષે ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તો માટે મંદિરમાં પોતાની રંગોળી કળાને પ્રદર્શિત કરવાનો તક આપવામાં આવે છે. જેમાં ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ, ઘનશ્યામ મહારાજ, અયોધ્યા રામ મંદિર વગેરે વિષયો પર વિવિધ રંગોળીઓ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં રજૂ કરવામાં આવી હતી.
ભુજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, લોકો ઘરે ઘરે રંગોળીમાં રંગો પૂરતા હોય છે. ત્યારે નવા વર્ષમાં દરેકના જીવનમાં નવા રંગો પૂરાય અને શાંતિ, સમૃદ્ધિ રહે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું છે. રંગોળીની કળા મારફતે હરિભક્તો પર ભગવાનનો રાજીપો રહે તેવા ઉદ્દેશ્ય સાથે મહંત સ્વામીએ આ આયોજન કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની 10થી 14 વર્ષની બાળકીઓ પોતાની કળા ઠાકોરજીની સમક્ષ રજૂ કરવા માટે આવે છે. આ તમામ રંગોળીનું મહંત સ્વામી નિરીક્ષણ કરે છે અને બાલિકાઓને આશીર્વાદ આપે છે.
વિવિધ પ્રકારની રંગોળીઓ આકર્ષણનું કેન્દ્ર બની
કૃપલ વરસાણીએ જણાવ્યું હતું કે, દિવાળીના શુભ અવસરે અયોધ્યા રામ મંદિર ખાતે પ્રથમ વખત દિવાળીની ઉજવણી થઈ રહી છે અને 500 વર્ષ બાદ મંદિરમાં ધામધૂમપૂર્વક દિવાળીની ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે, તો દર વર્ષની જેમ આ વર્ષે ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પટેલ ચોવીસીના ગામોની બાલિકાઓ ભાગ લીધો છે અને વિવિધ પ્રકારની રંગોળીઓ બનાવવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચો: