કચ્છ : આજે ETV Bharat આપને એવા ગામ અંગે માહિતી આપશે કે જેનું સ્થાન માત્રમાં દેશમાં નહીં, પરંતુ સમગ્ર એશિયામાં સમૃદ્ધિની દૃષ્ટિએ અગ્રીમ છે. સમગ્ર એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે અને શહેરો જેવી જ આર્થિક સમૃદ્ધિ અને પાયાની સુવિધા ધરાવે છે, આ ગામ છે ભુજ તાલુકાનું "માધાપર ગામ"
એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ : ગુજરાત રાજ્ય પોતાની સંસ્કૃતિ, અમૂલ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો, કલા, સૌંદર્ય અને પ્રવાસન જેવી અનેક બાબતો માટે જાણીતું છે. તેમાં પણ સરહદી જિલ્લો કચ્છ પોતાના સાંસ્કૃતિક વારસા માટે તેમજ પ્રવાસન માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જે રાજ્ય આર્થિક રીતે અતિ સમૃદ્ધ હોય એના ગામ અને શહેર પણ સ્વભાવિક પણે પૈસાદાર હોય જ.
જિલ્લામથક ભુજનું "માધાપર ગામ" : માધાપર ગામ ગુજરાતમાં કચ્છ જિલ્લાના જિલ્લામથક ભુજથી લગભગ 3 કિલોમીટર દૂર છે અને મુખ્યત્વે અહીં પટેલોની વસ્તી આવેલી છે. આ ગામ એશિયાનું સૌથી ધનવાન ગામ તરીકે પણ ઓળખાય છે. વર્ષ 2011માં યોજાયેલ વસ્તી ગણતરી મુજબ માધાપર ગામની વસ્તી 17,000 હતી, જે હવે અંદાજે 65,000-70,000 હશે. માધાપર ગામમાં 30,000 જેટલા ઘર છે તથા ગામના લગભગ 1,200 જેટલા પરિવારો વિદેશમાં વસે છે.
અધધ 15 થી પણ વધુ બેંકો ધરાવતું ગામ : માધાપર ગામમાં વર્ષ 2022 માં 20 જેટલી બેંકો હતી, ત્યારબાદ 4-5 જેટલી બેંક મર્જ થતા હાલ ગામમાં 15 જેટલી બેંક છે, અને હજી પણ 2-3 નવી બેંક પોતાની શાખા ખોલવાની તૈયારી કરી રહી છે. અહીં HDFC બેંક, ઇન્ડસ બેંક, PNB બેંક, બેંક ઓફ બરોડા, ભુજ મર્કન્ટાઇલ બેંક, એક્સિસ બેંક, યુનિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, માધાપર કોર્પોરેશન બેંક, ICICI બેંક, ઇન્ડિયન બેંક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, SBI બેંક અને કેનેરા બેંક સહિતની બેંક છે. કોઈ એક ગામમાં આટલી બધી બેંક હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એક માત્ર ગામ હશે.
7,000 કરોડની ડિપોઝીટ ધરાવતી બેંકો : માધાપર ગામની બેન્કોમાં અને પોસ્ટ ઓફિસમાં લગભગ રૂપિયા 6,000-7,000 કરોડની ડિપોઝીટ છે. ઉલ્લેખનીય છે કે, આઠેક વર્ષ અગાઉ અહીંની બેન્કોમાં રૂ. 2,500 કરોડ જેટલી થાપણો હતી. ત્યારબાદ નોટબંધી તથા કોરોનાકાળ બાદ પણ આજે રૂ. 6,000-7,000 કરોડ જેટલી થાપણો અહીં બેંક તથા પોસ્ટ ઓફિસમાં છે. અંદાજિત રૂ. 2,000 કરોડથી પણ વધુ થાપણો તો માત્ર પોસ્ટ ઓફિસમાં હશે. માટે કહી શકાય કે જેમ જેમ વર્ષ વીતતા જાય છે, તેમ થાપણમાં પણ દિવસેને દિવસે વૃદ્ધિ થઈ રહી છે.
3 ગ્રામ પંચાયત ધરાવતું અનોખું ગામ : સમગ્ર એશિયામાં સમૃદ્ધ ગામ તરીકે જાણીતા માધાપર ગામની તમામ બેંક અને પોસ્ટ ઓફિસની ડિપોઝિટ આશરે 7,000 કરોડની થાપણો ધરાવે છે. માધાપર ગામમાં માધાપર જુનાવાસ, માધાપર નવાવાસ અને વર્ધમાનનગર એમ 3 ગ્રામ પંચાયતો છે. ત્રણેય ગ્રામ પંચાયતોનો વહીવટ અલગ અલગ છે, પરંતુ ગામની એકતા હજુ પણ અકબંધ છે. આ ગામમાં આટલી બધી માતબર ડિપોઝિટના કારણે આ ગામ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઓળખાય છે.
1,200 જેટલા NRI પરિવાર : હાલ માધાપર ગામની આશરે વસ્તી 65,000 જેટલી છે. આ રીતે દરેક વ્યક્તિ દીઠ ડિપોઝિટ લગભગ 10.75 લાખ રૂપિયા થાય છે. આ ગામની આટલી સમૃદ્ધિ પાછળનું કારણ વિદેશમાં વસતા માધાપરવાસીઓ છે, જેમાં મુખ્યત્વે પટેલ સમાજના લોકો છે. માધાપર ગામના અંદાજિત 1,200 જેટલા પરિવારના લોકો વિદેશમાં વસવાટ કરે છે. જેમાં મુખ્યત્વે આફ્રિકા અને યુકેના દેશોમાં વસે છે.
દેશ-વિદેશમાં માધાપરવાસીઓનો દબદબો : મધ્ય આફ્રિકામાં કન્સ્ટ્રકશન બિઝનેસ, ફૂડ ઇન્ડસ્ટ્રી બિઝનેસ અને મોલના વેપારમાં ગુજરાતીનો ભારે દબદબો છે, જેમાં માધાપરવાસીઓ પણ અગ્રેસર છે. ત્યારબાદ UK, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડમાં પણ ઘણા લોકો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ દેશો તરફ માધાપરવાસીઓએ રોજગાર માટે પગપેસારો કર્યો છે. આ રીતે માધાપરના લોકો વિદેશમાં કમાઈને પોતાના વતનમાં પોતાની બચતનું નાણું ડિપોઝિટ કરે છે, જેથી આ ગામ NRIનું સૌથી વધારે પૈસાદાર ગામ છે.
જન્મભૂમિ સાથે જોડાયેલા ગ્રામજનો : ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં માધાપરના ગામવાસીઓ વિદેશમાં રહેતા અને કામ કરતા હોવા છતાં તેઓ હંમેશા તેમના મૂળ વતન તથા જન્મભૂમિ માધાપર સાથે સંકળાયેલા છે. આ લોકો ગામના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને પોતાનો ફાળો આપતા હોય છે. તેઓ અત્યારે જે દેશમાં રહે છે તે દેશની બેન્કોમાં પોતાની આવક ડિપોઝિટ કરવાને બદલે પોતાના ગામની બેંકમાં તેમની બચત જમા કરાવવાનું પસંદ વધારે કરે છે.
પ્રાથમિકથી લઈને લક્ઝરીયસ સુવિધા : વિદેશમાં વસતા માધાપરના NRI લોકો પોતાના વતનમાં શિક્ષણ, મેડિકલ, પર્યાવરણ, ધાર્મિક પ્રસંગો, ગૌશાળા અને વૃદ્ધાશ્રમ વગેરે માટે પૂરતો સહયોગ આપે છે, જેથી ગામનો વિકાસ થાય. આ ગામમાં પાણી, સેનિટેશન, રોડ-રસ્તા વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ તો છે જ સાથે સાથે ગામમાં મોટા મોટા બંગ્લોઝ, સ્કૂલ, હાઈસ્કૂલ, તળાવ, ક્રિકેટના મેદાન, સોસાયટી, પંચાયત ઘર, ઈંગ્લીશ હાઇસ્કૂલ, સ્પોર્ટ્સ સેન્ટર જેવી સવલતો પણ ઉપલબ્ધ છે. ગામના બાળકોના અભ્યાસ અર્થે સરકારી શાળાઓ સાથે પ્રાઇવેટ શાળા પણ છે.
80 વર્ષથી વિદેશમાં સ્થાયી થયા લોકો : પૂર્વ સરપંચ અરજણ ભૂડિયાએ જણાવ્યું કે, અમારા વડીલો અગાઉ ખેતી કરીને જીવન નિર્વાહ કરતા હતા, પરંતુ આજીવિકા માટે ખામીઓ પૂરી કરવા માટે વિદેશ જવાનું પસંદ કર્યું હતું. ઘણા લોકો આફ્રિકા જઈને સ્થાયી થયા અને ત્યારબાદ પેઢી દર પેઢી હવે ત્યાં જ નોકરી-ધંધો કરી રહ્યા છે. પોતાના બચતની રકમ અહીં ગામના વિકાસ અર્થે ઉપરાંત પોતાના સગાવ્હાલા માટે ત્યાંથી મોકલે છે. હાલ અહીંયા 6,000થી 7,000 કરોડ જેટલી રકમ બેંક તથા પોસ્ટ ઓફિસની ડિપોઝિટ છે.
સ્થાયી થવા આકર્ષતું શાંત વાતાવરણ : સ્થાનિક નીતિન પંડ્યાએ જણાવ્યું કે, માધાપરમાં પટેલ લોકો વધારે રહે છે, જેઓ શિયાળા દરમિયાન કચ્છ આવે છે. માધાપરના NRI લોકો વિદેશમાં રહીને કમાણી કરે છે અને પોતાની કમાણીનો હિસ્સો અહીં ડિપોઝિટ કરે છે. વિદેશમાં વસતા લોકો હજુ પણ કચ્છની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. અહીં 5 થી 6 કરોડના મકાન, 70 લાખથી 1 કરોડની કિંમતની દુકાનો આવેલી છે. આસપાસના ગામડાના લોકો તેમજ ભુજ શહેરમાં રહેતા લોકો માધાપરના શાંત વાતાવરણમાં તેમજ અહીંયા સુવિધા જોઈને અહીં રહેવા માટે આવે છે.